Donkey Farm: ઘણા લોકો ગધેડાને મૂર્ખ જીવ માને છે, પરંતુ આ મૂર્ખ પ્રાણી એક વ્યક્તિ માટે કમાણીનો સારો સ્રોત બન્યું છે. કર્ણાટકના મેંગલુરુના એક 42 વર્ષીય વ્યક્તિએ સોફ્ટવેર કંપનીની નોકરી છોડીને ઈરા ગામમાં ગધેડાનું ફાર્મ ખોલ્યું છે, જ્યાં તે ગધેડાનું દૂધ વેચીને લાખો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યો છે. કર્ણાટક રાજ્યમાં આવું પહેલું અને કેરળના એર્નાકુલમ પછી ભારતમાં આવું બીજું ફાર્મ છે.


2.3 એકર જમીનમાં શરૂ કર્યુ ઈસીરી ફાર્મ


બેંગલુરુ નજીક રામનગરાના રહેવાસી શ્રીનિવાસ ગૌડાએ ગધેડાનું આ ફાર્મ ખોલ્યું છે. ગૌડાએ બીએમાં સ્નાતક થયા બાદ એક સોફ્ટવેર કંપનીમાં નોકરી લીધી હતી, પરંતુ કોરોના રોગચાળા દરમિયાન નોકરી છોડ્યા પછી, તેમણે 2020 માં 2.3 એકર જમીન પર ઈસીરી ફાર્મ્સની શરૂઆત કરી હતી. આવામાં તેણે સૌથી પહેલા બકરી ઉછેરની શરૂઆત કરી હતી. આ ફાર્મ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ એગ્રિકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, વેટરનરી સર્વિસીસ, ટ્રેનિંગ અને ચારા ડેવલપમેન્ટ તરીકે ઓળખાય છે.


ગધેડાનું ફાર્મ શા માટે શરૂ કર્યું?


બકરી પછી, ગૌડાએ પણ તેના ખેતરમાં સસલાં અને કડકનાથ મરઘીઓનો ઉછેર કર્યો હતો. આ પછી ગધેડાનું ફાર્મ પણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 20 ગધેડા છે. ગૌડાએ કહ્યું, "ગધેડાઓની દુર્દશાથી વિચલિત થયા બાદ મેં ગધેડાનું ખેતર શરૂ કરવાનો નિર્ણય કર્યો. ઘણીવાર ગધેડાને તરછોડી દેવામાં આવે છે. તેથી મેં મારી જમીન પર ગધેડાનું ફાર્મ શરૂ કરવાનું અને તેમની સંભાળ રાખવાનું નક્કી કર્યું અને મને પણ તેમાંથી ફાયદો થઈ રહ્યો છે. "


ગધેડાઓની સંખ્યા ઘટી રહી છે


ગૌડાએ કહ્યું, "ગધેડાઓની વસ્તી 2012માં 3,60,000 હતી જે 2019માં ઘટીને 1,27,000 થઈ ગઈ છે. પહેલા ધોબી, કુંભાર દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે વોશિંગ મશીન અને અન્ય ટેકનોલોજીની ઉપલબ્ધતાને કારણે તેનો ઉપયોગ થતો નથી અને તેમની પ્રજાતિ દુર્લભ બની રહી છે. "


ગધેડીનું દૂધ ઘણા પોષક તત્વોથી ભરપૂર


ગૌડાએ એમ પણ જણાવ્યું હતું કે, "જ્યારે તેમણે મિત્રો સાથે ગધેડા ફાર્મ શરૂ કરવાનો વિચાર શેર કર્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમની મજાક પણ ઉડાવી હતી, પરંતુ ગધેડીનું દૂધ સ્વાદિષ્ટ, ખૂબ જ મોંઘું અને ઔષધીય મહત્વનું છે. હાલમાં, 30 મિલી ગધેડી દૂધના પેકેટની કિંમત 150 રૂપિયા છે અને આવતા મહિના સુધીમાં તે સુપરમાર્કેટ્સ, મોલ્સ અને દુકાનો સાથે પણ તેનો વેપાર કરશે.


ગૌડાને મળ્યો 17 લાખ રૂપિયાનો ઓર્ડર


ગૌડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગધેડીના દૂધની માંગ એટલી વધારે છે કે તેમને 17 લાખ રૂપિયાના દૂધના ઓર્ડર મળી ચૂક્યા છે. તેનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. આવી સ્થિતિમાં, હવે તેઓએ મોટા પાયે ગધેડાનું દૂધ વેચવાનું આયોજન કર્યું છે. ઓગસ્ટ 2021 માં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં ગધેડાનું દૂધ 10,000 રૂપિયા પ્રતિ લીટરે વેચવાના સમાચાર આવ્યા હતા.