Dairy Sector: એનડીડીબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મીનેશ શાહ, જીસીએમએમએફ લિ.ના ચેરમેન શામળભાઈ પટેલ, જીસીએમએમએફ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, આઇડીએમસી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રકાશ મહેશ્વરી તથા એનડીડીબીના અન્ય અધિકારીઓએ શ્રીલંકા ખાતેના ભારતના માનનીય હાઈ કમિશનર ગોપાલ બાગલેની હાજરીમાં શ્રીલંકાના માનનીય રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમાસિંઘે સમક્ષ શ્રીલંકામાં ડેરી ક્ષેત્રનો વિકાસ કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો.
આ ઉપરાંત બેઠકમાં શ્રીલંકાના માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા કુમારાતુંગા, શ્રીલંકાના કૃષિ મંત્રી મહિન્દા અમારાવીરા, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખના સચિવ ઇએમએસબી એકનાયકે તથા શ્રીલંકાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
સંબંધિત અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ મુલાકાતો અને બેઠકો યોજ્યા બાદ શ્રીલંકાના ડેરી ક્ષેત્રના વિકાસની યોજના આખરે સરકારથી સરકાર વચ્ચેના સહકારના માળખાંની અંદર આકાર પામી શકી હતી. આ એક્શન પ્લાન ઉત્પાદકતા વધારવા પર તેમજ દૂધની પ્રાપ્તિ, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં કાર્યક્ષમતા લાવવા પર કેન્દ્રીત છે, જેમાં ભારત અને શ્રીલંકાની સંસ્થાઓ વચ્ચે સંયુક્ત ઉદ્યમોની રચના કરવાનો પણ સમાવેશ થાય છે.
એનડીડીબીના ચેરમેને આ પ્રેઝન્ટેશનમાં એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, બંને દેશો સમાન ભૌગોલિક સ્થિતિ અને નાના પશુપાલકો પર આધારિત દૂધ ઉત્પાદન સિસ્ટમ ધરાવે છે. જોકે, અભાવમાંથી આત્મનિર્ભર બનવા સુધીની આ સફર ખેડવા માટે ઉપલબ્ધ સંસાધનોને સંરચિત અને કેન્દ્રીત હસ્તક્ષેપોની સાથે ઉત્પાદક સંસાધનો તરીકે અસરકારક રીતે ઉપયોગમાં લેવા જરૂરી છે. હસ્તક્ષેપ માટેના મહત્ત્વના ક્ષેત્રો પર ભાર મૂકતી વખતે તેમણે જણાવ્યું હતું કે, ભારતના અનુભવો અને તેણે પ્રાપ્ત કરેલી શીખ ઇચ્છિત પરિણામો તરફ દોરી જનારા પ્રોજેક્ટ્સના અમલીકરણને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
શ્રીલંકાના માનનીય રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમાસિંઘેએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તમામ પ્રક્રિયાઓ વહેલીતકે પૂરી થઈ જવી જોઇએ, જેથી કરીને આ હસ્તક્ષેપોના લાભ પશુપાલકો અને વપરાશકર્તાઓ બંને સુધી પહોંચે છે તથા તેમણે શ્રીલંકાની સરકાર તરફથી સમર્થન પૂરું પાડવાની પણ ખાતરી આપી હતી.
શ્રીલંકાની સરકારે છેક વર્ષ 1997-2000માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની સાથે સહકાર સાધ્યો હતો. હાલમાં શ્રીલંકાની સરકારે એનડીડીબી અને અમૂલ મારફતે ફરીથી ભારત પાસે મદદ માંગી છે, જેથી કરીને શ્રીલંકાને તેની પોષણ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવામાં તથા સમગ્ર દેશના નાના પશુપાલકોની આજીવિકાને સુધારવામાં મદદરૂપ થઈ શકાય.