Saffron Farming: ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં નવી અને નફાકારક ખેતીને લઈ જાગૃતતા આવી છે. આ કારણે દેશના ઘણા રાજ્યોમાં કેસરની ખેતીની શરૂઆત થઈ છે. કેસરની સૌથી વધારે ખેતી ઈરાનમાં કરવામાં આવે છે. ભારતમાં કાશ્મીરમાં મોટા પાયે કેસરની ખેતી થાય છે, અનેક રાજ્યો પણ આ ખેતી કરવા લાગ્યા છે.
કેમ કહેવાય છે લાલ સોનુ
બજારમાં કેસરની માંગ બારેમાસ રહે છે. તેથી તેની કિંમત ક્યારેય ઘટતી નથી. આ કારણે તેને લાલ સોનુ પણ કહેવાય છે. હાલ બજારમાં કેસર આશરે એકથી દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ ખેતી દ્વારા ખેડૂતો કરોડો રૂપિયાનો નફો કમાઈ શકે છે. જોકે કેસરના પાકની સારસંભાળ ખૂબ જરૂરી છે.
કેસરની ખેતી માટે કેવી જમીનની છે જરૂર
આ પાકની ખેતી માટે સારી અને તડકાવાળી જમીનની જરૂર હોય છે. ઠંડું અને ભેજવાળું હવામાન પાકને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ગરમ હવામાનવાળી જગ્યા આ પાક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીનું પીએચ સ્તર 6 થી 8 હોવું જોઈએ. જો જુલાઈમાં પાક વાવવામાં આવે તો આશરે ત્રણ મહિનામાં પાકીને તૈયાર થઈ જાય છે. જે બાદ ખેડૂત તેના ફૂલમાંથી કેસર નીકાળીને બજારમાં વેચી શકે છે.
સબ્સિડી પણ મળે છે
પહેલાના સમયમાં કેસરનું માર્કેટ શોધવું મુશ્કેલ હતું પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સરકારે ખેડૂતોનો માર્ગ મોકળો કર્યો છે અને બજાર ઉપલબ્ધ કરાવ્યું છે. આ ઉપરાતં ખેડૂતોને તેની ખેતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબ્સિડી પણ આપવામાં આવે છે.