Agriculture News: રણતીડના ટોળા ખેડૂતોના પાકને નુકસાન કરે છે. તીડના ટોળાથી પાકનું રક્ષણ કરવા માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા પગલાં જાહેર કરવામાં આવ્યા છે. તીડો ખેતરમાં ઇંડા મુકતા હોવાથી તે બીજા હજારો તીડોનો જન્મ આપતા હોય છે જેનાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે. તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવવા માટે શું કરી શકાય તેની માર્ગદર્શિકા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાઈ છે.
કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા મુજબ તીડનુ ટોળુ આવતું હોવાની માહિતી મળતા ગ્રામજનોને સાવધાન કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટો અવાજ કાઢવો. તીડનુ ટોળુ રાત્રે રોકાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો. જે વિસ્તારમાં તીડના ઇંડા મુક્યા હોઈ તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીનદીઠ ૨૫ કિ.ગ્રા. જેટલી મેલાથીઓન ૫ ટકા અથવા ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકીના બે ફૂટ પહોળા પટ્ટાઓ કરવાથી તીડથી રક્ષણ મળી શકે છે.
આ ઉપરાંત, તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકુચ કરતા હોય છે, ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા. આ ઉપરાંત તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભિકા ૧૦૦ કિ.ગ્રા.ઘઉં કે ડાંગર ભૂસાની સાથે ૦.૫ કિ.ગ્રા. ફેનીટોથ્રીઓન જંતુનાશક દવા અને ગોળની રસી ૫ કિ.ગ્રા. બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવાથી તીડનો નાશ થાય છે.
તીડને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં ૫% મેલાથીઓન અથવા ૧.૫% ક્વિનાલફોસ ભૂકીના છંટકાવ કરવો અથવા સવારના સમયે ૫૦% ફેનીટ્રોથીઓન અથવા ૫૦% મેલાથીઓન અથવા ૨૦% ક્લોરપાયારીફોસ દવા ૧ લીટર પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો. આ ઉપરાંત જમીન પર રાત્રે રોકાય તો સામાન્ય રીતે તીડનું ટોળુ પણ સવારનાં ૧૦-૧૧ વાગ્યા પછી જ આગળ વધતા હોય છે ત્યારે ચોક્કસ સમયે ૫%મેલાથીઓન અથવા ૧.૫% ક્વિનાલ્ફોસ ભૂકી દવાનો છંટકાવ કરવાથી તીડનું નિયંત્રણ થાય છે.
કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા મુજબ લીમડાની લીંબોડીની ૫૦૦ ગ્રામ મીંજનો ભૂકો, ૫% અર્ક અથવા ૪૦ મિ.લિ લીંબડાનું તેલ અને ૧૦ ગ્રામ કપડાં ધોવાનો પાવડર, ૨૦ મિ.લિ થી ૪૦ મિ.લિ લીંબડા આધારીત તૈયાર કીટનાશક ૧૦ લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણ છાંટવાથી તીડ આવા છોડને ખાતા નથી. જ્યારે તીડે ઇંડા મુક્યા હોયતો, તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડાનો નાશ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે.