Farmer's Story:  ‘અમે દૂધ ઉત્પાદન અને દાડમની ખેતી કરીએ છીએ.. તમને માન્યામાં નહી આવે પણ અમે 25 જણા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ.. દૂધ અને દાડમમાંથી વર્ષે 18 લાખ રૂપિયા કમાઈએ છીએ... અમારા પરિવારમાંથી એક દીકરી સરકારી નોકરી કરે છે અને ત્રણ દીકરાઓ સીવીલ એન્જિનિયર થયા છે...એક સમયે ગીરીબીનો સામનો કરતું અમારુ ઘર આજે બે નહી પણ બાર પાંદડે થયું છે.. તેના પાયામાં પશુપાલન અને બાગાયતા ખેતી છે...”  માંડલ તાલુકાના નાનકડા  એવા  દાલોદ ગામના રંજનબેન અને જગદીશભાઈ સિંધવના શબ્દો જ પશુપાલન વ્યવસાયની તાકાત છે. 


કેવી રીતે આવ્યો વિચાર


અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનું નાનકડુ એવુ દાલોદ ગામ. ગામમાં સિંધવ પરિવાર સુખેથી રહે છે.ત્રણ-ચાર હજારની વસતિ ધરાવતુ ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભરછે.  ગામમાં રહેતા જગદીશભાઈ સિંધવ અને તેમના ત્રણ ભાઈઓ મળીને કુલ ૨૫ જણા એક સાથે રહે છે, એક રસોડે જમે પણ છે.. જગદીશભાઈ કહે છે કે,  ‘ અમે તો મૂળે ખેતીના માણસ, મારી પત્ની પણ પશુપાલન કરે છે. એક સમય હતો કે અમારી પાસે માત્ર બે ગાય હતી...મારા પત્ની રંજનબેન દૂધ દોહતા અને અમારુ ઘર જેમ તેમ ચાલતું. મારા ભાઈઓના લગ્ન થતા ગયા. પરિવાર વધતો ગયો. વચેટ ભાઈ હોવાને નાતે મારી જવાબદારી વિશેષ હતી.એવામાં અમદાવાદ જિલ્લાના પશુપાલન ખાતાના અધિકારીએ અમને દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય  યોજના વિષે જણાવ્યું..મારા પત્નીને તેમાં ખુબ રસ પડ્યો. ધીમે ધીમે કરતા અમે ગીરની ૨૫ ગાયો વસાવી...’


તેમના પત્ની રંજનબેન આમ તો સીધુ સાદુ જીવન જીવે છે પણ તેમના જીવન સાથે વણાયેલા પશુપાલનના વ્યવસાયે તેમને દામ અને નામ  આપ્યા છે. એક સમય હતો કે તેમની પાસે એક જ ગાય હતી અને તેને રાખવા માટે એક કાચુ છાપરુ હતું..પશુપાલન ખાતાના માર્ગદર્શન અને સહયોગથી ક્રમશ: ગાયની સંખ્યા વધારતા ગયા..આજે તેમની પાસે ૨૫ ગીર ગાય છે.


ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાનો લીધો લાભ


ત્રણ-ચાર વર્ષ પહેલા તેમને પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન યોજના હેઠળ 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાનો લાભ મળ્યો...એક પશુ રાખવાથી શરુઆત કરી હાલમાં ૨૫ ગાયો રાખી દૈનિક દુધ ઉત્પાદન  મેળવી  સારી એવી આવક તેઓ  મેળવે છે. કામગરો સ્વભાવ એટલે મહેનતમાં તો પાછા પડે જ નહી... રંજનબેન કહે છે કે , ‘ મારે મન મારી ગાયો જ બધુ છે...  હું જીવની જેમ તેમનું જતન કરુ છુ... ગાયોનું દૂધ હું જાતે જ દોહુ છુ... એમાંથી છાશ, માખણ બને છે તે પણ ડેરીમાં અને ગામમાં જ વેચુ છુ... આજે દર મહિને તેમાંથી ૧ લાખ જેટલી આવક થાય છે. 


દાડમની બાગાયતી ખેતી


બીજી તરફ જિલ્લા બાગાયત ખાતા તરફથી મળેલી જાણકારીના પગલે જગદીશભાઈએ પણ દાડમની ખેતી શરુ કરી..  અંદાજે 15 વિઘામાં દાડમના છોડ વાવ્યા...શરૂઆતના સમયમાં તેમાં બહુ નફો નહતો થયો..પણ જેમ જેમ સમય જતો ગયો અને બાગાયત ખાતા તરફથી માર્ગદર્શન મળતુ ગયુ અને આજે હું વર્ષે 6 લાખ કમાઉ છુ.


દૂધ અને દાડમનો ‘કોમ્બો, આવક ‘જમ્બો


સિંધવ પરિવારના રંજનબેન દર વર્ષે 12 લાખ અને જગદીશભાઈ દાડમની ખેતીમાંથી પ્રતિ વર્ષ રૂપિયા 6 લાખ કમાય છે. સિંધવ પરિવારમાં 25 જેટલા સભ્યો છે. જેટલા સભ્યો એટલી ગીર ગાય પરિવાર પાસે છે. આ પરિવાર પ્રતિ વર્ષ રૂપિયા 18 લાખ જેટલી માતબર આવક મેળવે છે. દૂધ અને દાડમનો ‘કોમ્બો, આવક ‘જમ્બો’ આ વાક્યને સિંધવ પરિવારે સાર્થક કર્યું છે.