Gujarat Agriculture News: સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા ગામનાં એક પ્રગતિશીલ ખેડૂત નારાણભાઈ લકુમે પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાની આવકમાં મોટો વધારો કરી પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. છેલ્લા 10 વર્ષથી ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલા નારાણભાઈ જણાવે છે કે પહેલા મેં કપાસ, તલ, શાકભાજી જેવા પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી. પરંતુ આ પાકોમાં ભાવ બહુ ઓછો મળતો ને વળતર ઝાઝુ હતું નહીં. એ માટે હું થોડો ચિંતામાં રહેતો હતો. જો કે પછી સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનાં લાભો વિશે જાણકારી મળતા મેં પ્રાકૃતિક ખેતી અપનાવાનું વિચાર્યુ. છેલ્લા 4 વર્ષથી મેં મારી 1.5 એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને મને તેના ઘણા સારા પરિણામો મળ્યા છે. ખેતી માટે ખાતર, દવાઓ સહિતનાં ખર્ચમાં મોટો ઘટાડો થયો છે અને પાકની ગુણવત્તા સુધરી છે. જેનાં પરિણામે મને થતી આવકમાં પણ વધારો નોંધાયો છે.


તેઓ આ વિશે વધુ વાત કરતા જણાવે છે કે, સરકારના બાગાયત વિભાગની યોજના અંતર્ગત પપૈયાની ખેતી માટે રૂ. 17,000ની સહાય મળી હતી. આ ઉપરાંત, પપૈયાની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે મને આત્મા પ્રોજેક્ટ દ્વારા સતત માર્ગદર્શન પણ મળ્યું છે.


ક્યાંથી આવ્યો વિચાર


પપૈયાની ખેતી વિશે વાત કરતા નારાણભાઈએ જણાવ્યું હતું કે, મને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર અને ઉત્સાહ પહેલેથી જ હતો. આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા આ ક્ષેત્રે ખૂબ સુંદર કામગીરી થતી હોવાથી માર્ગદર્શન માટે હું આત્મા પ્રોજેકટ સાથે જોડાયો. જ્યાં વિવિધ સેમિનાર અને મીટીંગો દ્વારા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય તેના વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. માહિતી મેળવ્યા બાદ ધ્રાંગધ્રા અને બોટાદમાં 'મધુ બિંદુની' ખેતી થતી હોય તેવા ખેતરોની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ મેં 5 થી 6 ઈંચના રેડ લેડીઝ -786 તાઇવાન વેરાયટીના અને મધુ બિંદુ જાત પપૈયાના રોપા વાવી પ્રાકૃતિક રીતે પપૈયાની ખેતી શરૂ કરી હતી.




કેટલો નફો થયો


અત્યારે 1.5 એકર જમીનમાં અંદાજીત 1000 થી વધુ રોપા વાવ્યા છે. રોપા વાવ્યા બાદ તેના ઉછેર માટે સૌપ્રથમ પાયામાં ઘન જીવામૃત, મૂળના રક્ષણ માટે બીજામૃત અને જરૂરિયાત મુજબ જીવામૃતનો  સમયાંતરે છંટકાવ કર્યો હતો. સિંચાઈ માટે ડ્રિપ ઇરીગેશનનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિથી પપૈયાની ખેતી કરતા ભેજ અને તાપમાનનું પ્રમાણ જળવાતું હોવાથી પપૈયાના છોડનો સારી તંદુરસ્તી સાથે વિકાસ થયેલો જોવા મળે છે. અંદાજીત 5 થી 6 મહિના સમયગાળા બાદ પપૈયાના ફળો આવવા લાગે છે. અગાઉના અલગ-અલગ પાકોની ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું. આ પપૈયાના પાકના કારણે મને વર્ષ 2020-21 માં રૂ. 2,20,000 અને વર્ષ 21-22માં રૂ. 9,00,000 સીધો નફો થયો છે.




લોકો પણ ખેતી અંગે લે છે સલાહ


પપૈયાની ખેતી અને વેચાણ અંગે માહિતી આપતા નારાણભાઈએ જણાવ્યું હતું કે, પપૈયાની ખેતી ઓછી માવજતથી થતો રોકડીયો પાક છે. વળી, પપૈયાના વેચાણમાં પણ તકલીફ પડતી નથી. કારણ કે, વેપારીઓ- લોકો  સીધા ખેતર પરથી જ  લઈ જાય છે તેથી બહાર વેચવા પણ જવું પડતું નથી. આ ઉપરાંત જ્યારે મેં પ્રાકૃતિક રીતે ખેતી શરૂ કરી ત્યારે લોકો ઠેકડી ઉડાડતા હતા પરંતુ હાલ મને પ્રાકૃતિક ખેતીના કારણે પહેલા કરતા સારી  આવક થઈ રહી છે ત્યારે આ અંગે મારી પાસે સલાહ લે છે. પ્રાકૃતિક ખેતીનાં પરિણામે જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે. જમીનમાં અને પાક પર હાનિકારક દ્રવ્યો ન જતા હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હોય છે.




આ સમયગાળા દરમિયાન બાગાયત ખાતા અને આત્મા પ્રોજેક્ટ કચેરીની સક્રિય ભૂમિકા વિશે વાત કરતા નારાણભાઈએ જણાવ્યું હતું કે,  લીંબુની ખેતીનું નિરીક્ષણ કરવા આવેલા બાગાયત અધિકારીશ્રીએ  લીંબુની બાજુમાં જ વાવેતર કરેલા પપૈયાના છોડને જોયા અને તરત જ પપૈયાની ખેતી માટે મળતી સહાય માટે ઓનલાઇન અરજી કરવાનું સૂચન કર્યું. મેં તરત અરજી કરી અને પપૈયાની ખેતીમાટે બાગાયત વિભાગ દ્વારા રૂ.17,000 ની સહાય મળી હતી. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતી માટેના મારા પ્રયત્નને બિરદાવવા બાગાયત ખેતીવાડી અધિકારી તેમજ આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર ભરતભાઈ પટેલ દ્વારા મારા ખેતરની મુલાકાત પણ લેવામાં આવી છે અને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.