Gujarat Agriculture Scheme: રાજય સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોને ઉપયોગી થાય એવી અનેકવિધ યોજના અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતો માટે સાત પગલા ખેડૂત કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજના લાવી સરકારે ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાની કોશિશ કરી છે. એ જ રીતે સરકાર દ્વારા જે ખેડૂત સ્માર્ટ ફોનની ખરીદી કરે એ ખેડૂતને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના ચાલીસ ટકા રકમની સહાય કરતી યોજના અમલમાં મુકી છે.


લાભાર્થીએ કહી આ વાત


રાજય સરકારની આ યોજનાના લાભાર્થી નારસીંગભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, દેવહાટ ખાતે રાજય સરકારની વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મને સ્માર્ટ ફોન ખરીદી સહાય પેટે 6૦૦૦ની સહાય આપવામાં આવી છે. આ યોજના અંગે વાત કરતા નારસીંગભાઇએ જણાવ્યું હતું કે, સરકારની આ યોજના ખૂબ સારી યોજના છે. ખેડૂતો સ્માર્ટ ફોનના ઉપયોગથી હવામાનની સ્થિતિ જાણી શકશે. વિવિધ યોજનાઓની ઓનલાઇન અરજીઓ કરી શકાશે. આ ઉપરાંત પોતાની જણસના બજારભાવ પણ ઓનલાઇન જાણી શકશે.


 રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના ખેડૂતોને વૈશ્વિક પ્રવાહો અંગે જાણકારી મેળવવા માટે પણ ખુબ ઉપયોગી સાબિત થશે એમ ઉમેરી તેમણે હવે ખેડૂતો માત્ર ખેડૂત નહીં સ્માર્ટ ખેડૂત બનશે એમ જણાવી તેમણે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.


આઈ ખેડૂત પોર્ટલ પર સહાયની કેવી રીતે કરશો અરજી


આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.


i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે



  • વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી

  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી

  • લાભાર્થીઓની યાદી

  • ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો

  • કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી

  • અદ્યતન કૃષિ અને સંલ્ગન વિષયક તાંત્રિક માહિતી

  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ

  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ

  • ખેતીની જમીન ખાતાની વિગતો

  • હવામાનની માહિતી