Agriculture News: ખેડૂતોની આવક વધારવા કેન્દ્રની મોદી સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. બજેટ 2022 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેતી પર ભાર મૂક્યો હતો અને ડ્રોન સહિત આધુનિક ઉપકરણો માટે સબ્સિડીની જાહેરાત કરી હતી. ખેડૂતોને મદદ કરવાના હેતુથી એક વિશેષ ઝુંબેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે 100 ખેડૂત ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ગુજરાતના નવસારી, પાટણ શહેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, પહેલા ડ્રોનના નામ પર એવું માનવામાં આવતું હતું કે તે સેના સંબંધિત સિસ્ટમ છે. પરંતુ હવે તે 21મી સદીની આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય છે.


લીંબડીના ખેડૂતે લીંબુડી પર ડ્રોનથી કર્યો છંટકાવ


લીંબડીના પ્રગતિશિલ ખેડૂત રાજેશભાઈ ચાવડાએ ધંધુકા રોડ પર આવેલા ખેતરની 3 એકર જમીનમાં લીંબુનું વાવેતર કર્યું છે. લીંબુના છોડ મોટા થઈ જવાથી પંપ દ્વારા દવાનો યોગ્ય છંટકાવ થઈ શક્તો નહતો. ખેડૂતે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર ડ્રોનની મદદથી લીંબુના છોડ ઉપર નેનો યુરિયા સાથે ફુગનાશક દવાનું મિશ્રણ કરી છંટકાવ કર્યો છે.


ઓછા ખર્ચે વધુ દવાનો છંટકાવ


ખેડૂતે જણાવ્યું હતું કે યુરિયા છોડના મૂળમાં નાંખવાથી જમીનને નુકસાન થાય છે. જયારે નેનો યુરિયા છોડ પર છંટકાવ કરવાથી જમીનને નુકશાનીથી બચાવી શકાય છે. એક એકર જમીનમાં મજૂર પંપથી દવાનો છંટકાવ કરે તો ખર્ચ રૂ.800 જેટલો થઈ જાય છે. ડ્રોનથી દવા છંટકાવ ખર્ચ રૂ.690 જેટલો જ થાય છે. સાથે ડ્રોન 1 કલાકમાં 3 એકર જમીનમાં દવાનો છંટકાવ કરે છે જેથી સમયનો પણ બચાવ થાય છે.




ગુજરાત સહિતના આ રાજ્યોમાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો શું છે કારણ


દેશના ઘણા કપાસ ઉત્પાદક રાજ્યોમાં પાકની અછતને કારણે આ વર્ષે કપાસનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતા ઓછું થઈ શકે છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI) એ આ વર્ષ માટે કપાસ ઉત્પાદન અંદાજમાં ઘટાડો કર્યો છે. સપ્ટેમ્બરમાં પૂરા થતા ચાલુ પાક વર્ષ માટે કપાસના ઉત્પાદનનો અંદાજ 5 લાખ ગાંસડીથી ઘટીને 343.13 લાખ ગાંસડી થયો છે જે મુખ્યત્વે તેલંગાણામાં ઓછા અંદાજિત ઉત્પાદનને કારણે છે. કપાસના પાકનું વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલુ રહે છે. ગત સિઝનમાં કપાસનું કુલ ઉત્પાદન 353 લાખ ગાંસડી હતું. આ સાથે યુનિયનનું અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક વપરાશમાં પણ અગાઉના અંદાજની સરખામણીમાં ઘટાડો જોવા મળી શકે છે.


CAI અનુસાર તાજેતરનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીમાં 5 લાખ ગાંસડીનો ઘટાડો દર્શાવે છે. સિઝન દરમિયાન કપાસનું ઉત્પાદન તેલંગાણામાં 2 લાખ ગાંસડી, ગુજરાત અને કર્ણાટકમાં એક-એક લાખ ગાંસડી અને આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં 50,000 ગાંસડી ઘટવાની ધારણા છે. CAI એ ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીના ચાર મહિનામાં કપાસના કુલ પુરવઠાનો અંદાજ 272.20 લાખ ગાંસડીનો છે. જેમાં સિઝનની શરૂઆતમાં 192.20 લાખ ગાંસડીની આવક, 5 લાખ ગાંસડીની આયાત અને 75 લાખ ગાંસડીનો ઓપનિંગ સ્ટોક સામેલ છે. ઑક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં કપાસનો અંદાજિત વપરાશ 114 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે, જ્યારે 31 જાન્યુઆરી, 2022 સુધી નિકાસ 2.5 મિલિયન ગાંસડી રહેવાનો અંદાજ છે.  CAI દ્વારા અંદાજિત સ્થાનિક વપરાશ તેના અગાઉના 345 લાખ ગાંસડીના અંદાજથી ઘટીને 340 લાખ ગાંસડી થઈ ગયો છે.