Krishi Udan Scheme:  ભારતમાં આશરે 55 થી 60 ટકા વસતિ ખેતી-ખેડૂતો પર નિર્ભર છે. છેલ્લા થોડા સમયથી ખેતીમાં સતત ઓછા થઈ રહેલા નફાને જોતાં ખેડૂતો કૃષિથી વિમુખ થઈ રહ્યા છે. ખેડૂતોની આવક વધે તે માટે સરકાર અવનવી સ્કીમ ચલાવે છે. જેનો લાભ લઈને તેઓ આવક વધારી શકે છે. આવી જ એક યોજના કૃષિ ઉડાન છે. જેનો લાભ લઈ ખેડૂતો પોતાનો પાક વિદેશ વેચી શકે છે.


ક્યારે શરૂ કરવામાં આવી હતી આ સ્કીમ


કેન્દ્રની મોદી સરકારે ઓગસ્ટ 2020માં કૃષિ ઉડાન સ્કીમ લોન્ચ કરી હતી. ઓક્ટોબર 2021માં તેને અપગ્રે કરીને કૃષિ ઉડાન 2.0 નામ આપવમાં આવ્યું. આ યોજનાનો મુખ્ય હેતુ જલદીથી બગડી જતાં ઉત્પાદનોને વિમાનના માધ્યમથી દેશ-વિદેશમાં નિકાસ કરીને ખેડૂતોને તગડો નફો આપવાનો છે.


આ યોજનાનો ફાયદો ઉઠાવીને ખેડૂતો તેમનો પાક બરબાદ થતાં બચાવી શકે છે. ઉપરાંત સરળતાથી વિદેશમાં ઉત્પાદન વેચી શકે છે. આ માટે ખેડૂતોને સબ્સિડી પણ આપવામાં આવે છે. માછલી ઉત્પાદન, દૂધ ઉત્પાદન, ડેરી ઉત્પાદન, માંસ જેવા વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.


કેટલા મંત્રાલય કામ કરે છે આ યોજનામાં


કૃષિ ઉડાન યોજનામાં આઠ મંત્રાલય સાથે મળીને કામ કરે છે. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, કૃષિ અને કિસાન કલ્યાણ, પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્ય વિભાગ, ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય, વાણિજય વિભાગ, ઉત્તર પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રાલય સામેલ છે. તાજેતરમાં લોકસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે, હાલ આ યોજના સાથે 53 એરપોર્ટ સંકળાયેલા છે. જોમેસ્ટિકની સાથે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ પર પણ કામ થઈ રહ્યું છે. તેના દ્વારા ખેડૂતો પાક વેચીને અનેક ગણો વધારે નફો કમાઈ શકે છે.


આ યોજનાની વધુ માહિતી માટે ખેડૂતો કૃષિ મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.