PM Kisan Scheme:  ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે. દેશના કુલ જીડીપીના 17 થી 18 ટકા કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. ખેડૂત દિવસ-રાત મહેનત કરીને અનાજ ઉગાડીને લોકોને ભરણપોષણ આપે છે. સરકાર ખેડૂતોની મદદ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો સમાવેશ થાય છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને આર્થિક મદદ માટે મોટી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ યોજના). આ યોજના દ્વારા સરકાર નાના, ગરીબ અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ કરે છે.


આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાં ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ વાર રૂ. 2,000ના હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએમ-કિસાન યોજનામાં મૂળ લાભાર્થીઓ કરતા જે લોકો લાયકાત નથી ધરાવતા તેમના ખાતામાં કરોડો રૂપિયા જમા કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં આશરે 4350 કરોડ રૂપિયા ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા થઇ ગયા હતા.


કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે પીએમ-કિસાન યોજના હેઠળ જે પણ ગેરલાયક લોકોના ખાતામાં પૈસા જમા થયા છે તેને પરત લેવામાં આવે. ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એટલે કે પીએમ-કિસાન યોજના લોન્ચ કરવામાં આવી હતી. જે પણ લાભાર્થી ખેડૂતો હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.


કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં શું કહ્યું


લોકસભામાં લેખીતમાં જવાબ આપતી વેળાએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે આ યોજના અંતર્ગત જે પણ રકમ જમા કરવામાં આવી તેના બે ટકા એટલે કે 4352.49 કરોડ રૂપિયા એવા લોકોના ખાતામાં જમા થઇ ગયા છે કે જેઓ આ યોજનાનો લાભ લેવાને લાયક ન હોય. જેથી હવે આ લોકોની પાસેથી આ પૈસાને પરત લેવા માટે રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે. જોકે આ પૈસાને પરત કેવી રીતે મેળવવા તેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.