Agriculture News: ખેડૂતોની આવક વધારવા કેન્દ્રની મોદી સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. બજેટ 2022 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેતી પર ભાર મૂક્યો હતો અને ડ્રોન સહિત આધુનિક ઉપકરણો માટે સબ્સિડીની જાહેરાત કરી હતી. ખેડૂતોને મદદ કરવાના હેતુથી એક વિશેષ ઝુંબેશમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એટલે કે શુક્રવાર (18 ફેબ્રુઆરી) વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે 100 ખેડૂત ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ગુજરાતના નવસારી, પાટણ શહેર જોડાયા હતા.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ડ્રોનના નામ પર એવું માનવામાં આવતું હતું કે તે સેના સંબંધિત સિસ્ટમ છે અથવા દુશ્મનોનો સામનો કરવા માટે વપરાતી વસ્તુઓ છે, પરંતુ હવે તે 21મી સદીની આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય છે. મને ખાતરી છે કે આ પ્રક્ષેપણ માત્ર ડ્રોન ક્ષેત્રના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
પીએમે વધુમાં કહ્યું, 'મને કહેવામાં આવ્યું છે કે ગરુડ એરોસ્પેસે આગામી 2 વર્ષમાં 1 લાખ મેડ ઈન ઈન્ડિયા ડ્રોન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેનાથી યુવાનો માટે નવી નોકરીઓ અને નવી તકોનું સર્જન થશે.