Tomato Farming: ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગ્રામિણ વિસ્તારોમાં રહેતા મોટા ભાગના લોકોની આજીવિકાનું સાધન ખેતીવાડી છે. સરકારે ખેડૂતો માટે અનેક યોજના ચલાવી રહી હોવા છતાં ખેડૂતનું જીવનધોરણ ઉંચું આવતું નથી. ખેતીમાં થઈ રહેલા નુકસાનના કારણે અનેક લોકો ગામ છોડીને શહેરોમાં મજૂરી કરવા મજબૂર છે. પરંતુ એક પાક એવો છે, જેની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો ખેડૂતો માલામાલ થઈ શકે છે. ખેડૂતો માટે ટમેટાનો પાક આવકનું સારું સાધન બની શકે છે.
કેટલી થઈ શકે કમાણી
ટમેટાની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો મોટી કમાણી થઈ શકે છે. એક હેક્ટર જમીનમાં 800 થી 1200 ક્વિંટલ સુધી ટમેટા ઉગી શકે છે. ટમેટા અનેક પ્રકારના હોય છે. વિવિધ જાતના હિસાબે ભાવ અલગ હોય છે. ઘણી વખત ટમેટાના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતો ફેંકી દેવા કે તેના પર ટ્રેકટર ફેરવી દેવા પણ મજબૂર બને છે. પરંતુ જો બજારમાં ટમેટા સરેરાશ 10 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાય અને તમે સરેરાશ 1000 ક્વિંટલ ઉત્પાદન લો તો 10 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.
ભારતમાં વર્ષમાં બે વખત ટમેટાની ખેતી થાય છે. જુલાઈ-ઓગસ્ટથી શરૂ થયેલી ખેતી ફેબ્રુઆરી-માર્ચ સુધી ચાલે છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થયેલી ખેતી જૂન-જુલાઈ સુધી ચાલે છે. આ ખેતી માટે તમારે નર્સરી તૈયાર કરવાની હોય છે. એક મહિનામાં ટમેટાના છોડ તૈયાર થાય છે. એક હેક્ટરમાં આશરે 15 હજાર છોડઉગાડી શકાય છે. 2-3 મહિના બાદ ટમેટા આવવાં લાગે છે અને 9-10 મહિના સુધી ચાલે છે.
ટમેટાના પાક માટે કાળી, રેતાળ અને લાલ દળદાર માટી શ્રેષ્ઠ છે. માટીનું પીએમ 7 થી 8.5 હોવું જોઈએ. ઉનાળામાં ટમેટાનો પાક વાવો તો દર અઠવાડિયે પાણી આપવું જોઈએ. શિયાળામાં દર 10-15 દિવસે પાણી પાવું જોઈએ. ટમેટાના સારા પાક માટે સમયાંતરે નિંદામણ કરવું જોઈએ.