સ્કંધ પુરાણનો હિસ્સો ગણાતી ગુરુગીતાના શ્લોક દ્વારા આનંદમૂર્તિ ગુરુમાએ તેમના સત્સંગના ચોથા અને આખરી દિવસે શ્રોતાઓ અને ભક્તોજનોને ગુરુ કોણ અને કેવા હોવા જોઈએ એની સમજણ આપી હતી. તેમણે કહ્યું કે, આમ તો ભારતમાં દરેક વ્યક્તિ પાસે ગુરુ હોય છે પણ સદગુરુ વિના તેની આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી. અનેક પ્રકારના ગુરુઓ હોય છે પણ જેમના પુણ્યનું બહુ મોટું ભાથું હોય તેવી વ્યક્તિના જીવનમાં જ શ્રોતિય બ્રહ્મનિષ્ઠનો પ્રવેશ થાય છે અને તેમનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે.
સામાન્યપણે કહેવાતા ધર્મગુરુઓએ જે ગેરમાન્યતા ફેલાવી છે એને કારણે ગૃહસ્થીઓ પોતાને પાપી માને છે. તેમને લાગે છે કે તેઓ પતિ-પત્ની સાથે શારીરિક સંબંધ રાખે છે મતલબ કે તેમના જીવનમાં કામ છે એટલે તેઓ પાપી છે. પરંતુ આનંદમૂર્તિ ગુરુમાએ આ વાતને રદિયો આપતા કહ્યું હતું કે જો એવું જ હોય તો આ જગતમાં જન્મનાર દરેક વ્યક્તિનો જન્મ પાપમાંથી થયો ગણાય. પરંતુ હકીકતમાં સ્ત્રી અને પુરુષને એકબીજા તરફ આકર્ષણ થવું એ પ્રાકૃતિક બાબત છે. પરંતુ એ પાપ ત્યારે બને છે જ્યારે એક ઉંમર બાદ જીવનમાંથી કામવાસનાની ભાવના સહજ રીતે ખરી જવાને બદલે સિત્તેર વર્ષના વૃદ્ધ પણ કામવાસનામાંથી બહાર નથી આવતા. એ જ કારણ છે કે આવા પુરુષો પોતાની દીકરી કે પૌત્રીની ઉંમરની છોકરીઓ પર બળાત્કાર કરે છે. ગૃહસ્થજીવનમાં પતિ-પત્ની સાથે સમ્યક દૈહિક વ્યવહાર કરે એ પાપ નથી એવી ક્રાંતિકારી વાત તેમણે કરી હતી. ગૃહસ્થાશ્રમ ખરાબ હોઈ જ ન શકે પણ ગૃહસ્થ વ્યક્તિએ સદગૃહસ્થ બનવા તરફ ગતિ કરવી જોઈએ.
કામ એટલે માત્ર દૈહિક વાસના નહીં પણ દરેક પ્રકારની કામના અથવા ઇચ્છા છે. મનુષ્યની બે ઇન્દ્રિયો સૌથી વધુ જોરાવર હોય છે. એક જીભ અને બીજી જનનેન્દ્રિય. આ બંને ઇન્દ્રિયોમાં હાડકું નથી અને છતાં એ સૌથી વધુ બળવાન હોય છે. ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને તેમણે સમજાવ્યું હતું કે કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે કારણ કે જ્યારે કામનાની પૂર્તિ થતી નથી ત્યારે ક્રોધ આવે છે. જો કામનાની પૂર્તિ થઈ જાય તો લોભ આવે છે. ક્રોધને કારણે મન સંમોહિત થઈ જાય છે, સ્મૃતિ એટલે કે સાચા-ખોટાનો વિવેક ચાલ્યો જાય છે અને વ્યક્તિ ન બોલવાનું કે ન કરવાનું કાર્ય કરી બેસે છે.
વાંચોઃ અરવિંદ લિમિટેડે કર્મચારીઓ માટે યોજી મતદાન જાગૃતિ ઝુંબેશ, 100 ટકા વોટિંગ માટે કરાયા પ્રોત્સાહિત
લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગત