Guru Purnima Upay: આજે ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ગુરુજનોની પૂજા કરવામાં આવે છે. જે લોકો અષાઢી પૂનમે વ્રત રાખે તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને સત્યનારાયણ વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ.


બની રહ્યો છે બે યોગ


પંચાગ અનુસાર અષાઢી પૂનમે બે યોગ – પ્રીતિ યોગ તથા સર્વાર્થ સિદ્ધી યોગ બની રહ્યા છે. 24 જુલાઈએ સવારે 6 વાગ્યાને 12 મિનિટથી પ્રીત યોગ બન્યો છે, જે 25 જુલાઈ વહેલી સવારે 3 કલાકને 16 મિનિટ સુધી રહેશે. જ્યારે 24 જુલાઈએ બપોરે 12 વાગ્યાને 40 મિનિટથી સર્વાર્થ યોગ બની રહ્યો છે. જે બીજા દિવસે સવારે 5 વાગ્યાને 39 મિનિટ સુધી રહેશે. આ બંને વિશેષ યોગ શુભ માનવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ યોગ વિશેષ કાર્યોની સિદ્ધિ માટે શ્રેષ્ઠ તથા ઉત્તમ માનવામાં આવે છે.


આ શુભ યોગમાં કરો આ કાર્ય


ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે પવિત્ર નદીમાં સન્ના કરીને ગરીબ તથા જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. ઉપરાંત પીપળાના વૃક્ષને પાણી રેડવાથી ગુરુની કૃપાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવો જોઈએ. આ દિવસે સાત્વિક ભોજન લેવું જોઈએ. તામસી પ્રકૃત્તિવાળા ભોજનથી દૂર રહેવું જોઈએ.


જ્યાં જ્ઞાન ત્યાં પૂર્ણિમાઃ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જ્યાં જ્ઞાન છે ત્યાં જ પૂર્ણિમા છે, ત્યાં જ પૂર્ણતા છે. જ્ઞાન સંસ્કારનું પ્રતીક છે.  વડાપ્રધાને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ભગવાન બુદ્ધે બુદ્ધત્વની પ્રાપ્તિ બાદ પોતાનું પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું. ત્યાગ અને તિતિક્ષાથી તપેલા બુદ્ધ જ્યારે બોલે છે ત્યારે ફક્ત શબ્દો જ નથી નીકળતા, પરંતુ ધમ્મચક્રનું પ્રવર્તન થાય છે. વડાપ્રધાને જણાવ્યું કે, તે સમયે બુદ્ધે માત્ર 5 શિષ્યોને ઉપદેશ આપ્યો હતો પરંતુ આજે સમગ્ર વિશ્વમાં તે શબ્દોના અનુયાયી છે, બુદ્ધમાં આસ્થા રાખનારા લોકો છે.