Nag Panchami 2022: હિંદુ ધર્મમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે લોકો ભગવાન શિવની સાથે સાથે નાગ દેવતાની પણ પૂજા કરે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નાગ પંચમીનો તહેવાર શ્રાવણ વદ પાંચમ, તા. 16 ઓગસ્ટ, 2022ને મંગળવારે છે. નાગ પંચમીના દિવસે દેશભરના નાગ મંદિરોમાં ભગવાન નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરોમાં કેટલાક દુર્લભ મંદિરો પણ છે જે વિશ્વ પ્રસિદ્ધ છે. આ દુર્લભ મંદિરોમાં ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. અહીં મંદિરના દરવાજા વર્ષમાં એક જ વખત 24 કલાક માટે ખોલવામાં આવે છે.


વર્ષમાં એક જ વખત નાગપંચમીના દિવસે મંદિર ખુલે છેઃ


ભગવાન નાગચંદ્રેશ્વર મહાદેવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના બીજા માળે બિરાજમાન છે. આ મંદિર વર્ષમાં એક વખત નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. રાત્રે 12 વાગે મહાનિર્વાણ અખાડાના ગાદીપતિ વિનીત ગિરી મહારાજે અન્ય ઋષિમુનિઓ સાથે નિયમાનુસાર પ્રાર્થના કરીને મંદિરના દરવાજા ખોલે છે. આ પછી સામાન્ય ભક્તો માટે દર્શન ચાલુ થાય છે. નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરની એક વિશેષ ઓળખ છે, અહીં એક દુર્લભ પ્રતિમા સ્થાપિત છે, જે જોવા માટે નાગ પંચમીના અવસરે દેશભરમાંથી ઘણા ભક્તો ઉજ્જૈનમાં આવે છે. મહંત વિનીત ગિરી મહારાજના જણાવ્યા અનુસાર નાગચંદ્રેશ્વર મહાદેવના આશીર્વાદ લેવાથી કાલ સર્પ દોષ દૂર થાય છે. આ સિવાય ઇચ્છિત પરિણામ પણ મળે છે.


મહાદેવના ગળામાં વીંટળાયેલા રહે છે નાગરાજ વાસુકીઃ


દેવોના દેવ ભગવાન મહાદેવનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓથી સંપૂર્ણપણે અલગ છે. ભગવાન શિવના માથા પર ચંદ્ર, હાથમાં ત્રિશુલ અને ડમરુ, વાળમાં ગંગા, શરીરમાં ભભૂતિ અને ગળામાં સાપ છે. પરંતુ આ બધા પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છે. નાગરાજ વાસુકીને વીંટળાયેલા હોવાની દંતકથા છે.


શું છે દંતકથા


દંતકથા અનુસાર, સર્પોનો રાજા વાસુકી તેના સંબંધીઓ અને પરિવાર સાથે પાતાળ લોકમાં રહેતો હતો. ભગવાન શિવના અનન્ય ભક્ત વાસુકી  તેમની પૂજામાં લીન રહેતા હતા. એવી ધાર્મિક માન્યતા છે કે શિવલિંગની પૂજા નાગ જાતિ દ્વારા જ કરવામાં આવતી હતી.


સાગર મંથન સમયે નાગરાજ વાસુકીએ મેરુ પર્વતને પકડીને દોરડાનું કામ કર્યું હતું. એક તરફ દાવન અને એક બાજુ દેવતાઓ તેમને પકડીને ખેંચી રહ્યા હતા. આ દરમિયાન નાગરાજ ગંભીર રીતે ઘાયલ થયા હતો. ભગવાન શિવ વિશ્વના કલ્યાણ માટે સમુદ્ર મંથનના કાર્યમાં તેમના અનુપમ સહયોગથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની ગરદનને સુંદર બનાવવાનું વરદાન આપ્યું.  ત્યારથી નાગરાજ વાસુકી ભગવાન શિવના ગળામાં બિરાજમાન થઈને તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. બીજી તરફ નાગરાજ વાસુકીના ભાઈ શેષનાગ ભગવાન વિષ્ણુની શૈયાના રૂપમાં હાજર છે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.