Navratri 2021: નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ વર્ષે કોવિડ ગાઇડલાઇન્સ સાથે ગરબાની મંજૂરી આપવામાં આવતાં ખેલૈયાઓનો ઉત્સાહ વધી ગયો છે. અલબત્ત, આ વખતે ચોથના નોરતાનો ક્ષય છે એટલે નવરાત્રિમાં એક નોરતું ઓછું હશે. આ વખતે નવરાત્રિમાં ચોથ તિથિનો ક્ષય છે. આમ, ૧૩ ઓક્ટોબર બુધવારના મહાઅષ્ટમી છે જ્યારે ૧૫ ઓક્ટોબરના વિજયા દશમીનું પર્વ ઉજવાશે.
ધર્મની સાથે જ જ્યોતિષશાસ્ત્રમાં પણ નવરાત્રિને ખૂબ મહત્વની માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસોમાં કરવામાં આવેલા કેટલાક ઉપાયો જીવનમાં ખુશીઓ લાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ લાવવામાં આવે, ઘરમાં છોડ લગાવવામાં આવે તો જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.
નવરાત્રિ દરમિયાન ઘરમાં લગાવો આ છોડ
હિંદુ ધર્મમાં કેટલાક છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ પણ તેમાંથી એક છે. હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીનો છોડ પૂજનીય છે. તુલસીના છોડને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લાવવો ખૂબ જ શુભ છે. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મીજી ભક્તોથી પ્રસન્ન થાય છે અને તમારી ઝોળીને ખુશીઓથી ભરી દે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવ્યા બાદ રવિવાર અને એકાદશી સિવાય દરરોજ તુલસીને પાણી ચડાવવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. તેમજ દરરોજ સાંજે તુલસી ક્યારામાં દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પૈસાની ક્યારેય કમી રહેતી નથી.
નવરાત્રિ દરમિયાન શુભ મુહૂર્તમાં ઘરમાં કેળાનો છોડ પણ લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારે દૂધમાં પાણી ભેળવીને અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ જલ્દી સારી થવા લાગે છે.
નવરાત્રિ દરમિયાન પારિજાતનો છોડ લગાવવાથી પણ ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. આ છોડને લાલ કપડામાં બાંધો અને પૈસા રાખવાની જગ્યાએ રાખો. આ કારણે જીવનમાં કોઈ આર્થિક સંકટ નહીં આવે
નવરાત્રિ દરમિયાન વડના પાન, ધતુરાના મૂળ અને શંખપુષ્પીના મૂળના ઉપાયો પણ ખૂબ અસરકારક છે. આ માટે, વડના પાનને ગંગાજળથી ધોઈ લો અને પછી તેના પર હળદર અને દેશી ઘીથી સ્વસ્તિક બનાવો. આ પછી, 9 દિવસ સુધી ધૂપ આપીને આ પાનની પૂજા કરો. ત્યારબાદ તેને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થળ પર રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
નવરાત્રિમાં ધતુરાના મૂળને લાલ કપડામાં લપેટીને અને મા કાલીના મંત્રોનો જાપ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. પૈસા રાખવાની જગ્યાએ શંખપુષ્પીનું મૂળ ચાંદીના ડબ્બામાં રાખવાથી પણ ધન લાભ થાય છે.