Shrinathji Patosav: ભારતનાં મધ્યભાગમાં બિરાજિત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજીનો પાટોત્સવ મહા વદ સાતમ, તા.13 ફેબ્રુઆરી, 2023ના રોજ સોમવારે દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.  નાથદ્વારામાં બિરાજતાં શ્રીનાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા છે.


આજના દિવસે શ્રીજી પ્રભુ વ્રજમાંથી પધારવા ઉપરાંત વર્તમાન શ્રીજી મંદિરની બહાર ચોકમાં સ્થિત ખર્ચ ભંડારમાં બિરાજતા હતા. થોડા વર્ષો પૂર્વે મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ ડોલોત્સવના આગળના દિવસ ‘દ્વિતીયા પાટ’ના દિવસે વર્તમાન પાટ પર બિરાજ્યા હતા.


વૈષ્ણવો અને નગરવાસીઓને આજે કેસર તથા મેવા યુક્ત દૂધનો પ્રસાદ અપાશે


ખર્ચ ભંડારમાં જે સ્થાન પર પ્રભુ બિરાજ્યા હતા. હાલ ત્યાં શ્રીજીની છબિ છે. અહીંની સેવા દરરોજ શ્રીજીના ભીતરિયા કરે છે. આજે ખર્ચ ભંડારમાં બિરાજતાં શ્રીજીની છબિને આજે સેંકડો લીટર કેસર તથા મેવા યુક્ત દૂધનો ભોગ આરોગાવામાં આવે છે. જે શયન બાદ તમામ વૈષ્ણવો તથા નગરવાસીઓને વિતરણ કરવામાં આવે છે.


ડોલોત્સવ સુધી શયન સમયે પ્રભુ સન્મુખ થશે નૃત્ય


આજથી ડોલોત્સવ સુધી શ્રીજી અને શ્રી નવનીતપ્રિયાજીના ખ્યાલ (સ્વાંગ)નો પ્રારંભ થશે. ખ્યાલ બનતા બાળકો, બાળકીઓ વિવિધ દેવો, ગાંધર્વ તથા સખાઓનું રૂપ ધારણ કરીને શયનના દર્શનમાં પ્રભુ સન્મુખ નૃત્ય કરે છે. જેનાથી બાલભાવમાં પ્રભુ આનંદિત થાય છે. પ્રભુ જ્યારે વ્રજમાં હતા ત્યારે ત્યાંથી આ પ્રકારના સ્વાંગ નિકળતા હતા. આ પાછળનું કારણ એવું છે કે શ્રીજીનું મન આવા ખ્યાલ જોવા બહાર જવા માટે થયું ત્યારે શ્રી ગિરિધરજીએ પ્રભુના સુખાર્થ સતઘામાં જ ખ્યાલ બનાવવાની પ્રથાનો આરંભ કર્યો, જે આજે પણ ચાલુ છે.


શ્રીનાથજી પાટોત્સવનાં દિવસે અહીં આ ઉત્સવપૂર્ણ માહોલ જોવા મળે છે. ઢોલ-નગારાંઅને શંખનાદ પણ થાય છે. રસિયા ગવાય છે અને અબીલ-ગુલાલની છોળો પણ ઉડે છે. સમગ્ર વાતાવરણમાં આનંદ-ઉલ્લાસ છવાઇ જાય છે.


નાથાદ્વારામાં આજે પણ શ્રીનાથજી સાક્ષાત્ આપે છે દર્શન


ભગવાન શંકરજી માતા પાર્વતીજીને શ્રીગોપાલસહસ્રનામ સંભળાવી રહ્યાં છે, જેમાં તેમણે ગોપાલજીનું નામ નિત્યોત્સવઃ કહ્યું. નિત્યોત્સવો નિત્યસૌખ્યૌ નિત્યશ્રીર્નિત્યમંગલઃ l(134) આ જ ઉત્સવપ્રિય પ્રભુ શ્રીનાથજી નાથદ્વારામાં સાક્ષાત્ બિરાજમાન થઇ ભક્તોને દર્શન આપે છે.


ગોવર્ધન પર્વત પર થયું શ્રીનાથજીનું પ્રાગટ્ય


એવું માનવામાં આવે છે કે કેટલાક દોષો થી ભરેલાં જીવોને ભૂમિ પર ફરીથી જન્મ લેવો પડ્યો ત્યારે આ દોષોથી ભરેલા દૈવીજીવોના ઉદ્ધાર માટે શ્રીમહાપ્રભુજીનું પ્રાગટ્ય  ચંપારણ્યમાં અને શ્રીનાથજીનું પ્રાગટ્ય ગોવર્ધન પર્વત ઉપર થયું. જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ જ ડાકોરમાં શ્રી રણછોડરાય, દ્વારિકામાં દ્વારિકાનાથના સ્વરૂપે ઓળખાય છે અને તેમની ભાવપૂર્વક ભક્તિ થાય છે એવી જ રીતે ‘પુષ્ટિમાર્ગમાં’ શ્રીનાથજીનું દિવ્ય સ્વરૂપ ઈષ્ટદેવ તરીકે પૂજ્ય છે.




શ્રીનાથજીના દર્શનથી ચારધામની યાત્રાનું મળે છે ફળ


શ્રીનાથજીનાં માહાત્મ્ય અંગે શ્રીનારદજી રાજા બહુલાશ્વને કહે છે કે હે નૃપ, ગિરિરાજની ગુફાનાં મધ્યભાગમાં જ શ્રીહરિનું સ્વતઃસિદ્ધ સ્વરૂપ પ્રગટ થશે. ભગવાન ભારતનાં ચારેય ખૂણામાં ક્રમશઃ જગન્નાથજી, શ્રીરંગનાથજી, શ્રીદ્વારિકાનાથજી, શ્રીબદરીનાથજી તરીકે પ્રસિદ્ધ છે. હે નરેશ્વર, ભારતનાં મધ્યભાગમાં પણ તેઓ ગોવર્ધનનાથ તરીકે બિરાજમાન છે. તેઓનું દર્શન કરવાથી નર, નારાયણ બનવાનું સામર્થ્ય ધરાવે છે.  જે વિદ્વાન પુરુષ આ ભૂતલપર ચારેય નાથોની યાત્રા કરી, દેવદમન શ્રીગોવર્ધનનાથજી(શ્રીનાથજી)ના દર્શન નથી કરતો તેને યાત્રાનું ફળ મળતું નથી. જે શ્રદ્ધાળુ દેવદમન શ્રીનાથજીનું દર્શન કરી લે છે, તેને પૃથ્વી પર ચારેય નાથોની યાત્રાનું ફળ મળી જાય છે.


ચતુર્ણાં ભુવિ નાથાનાં, કૃત્વા યાત્રાં નરઃ સુધીઃ


ન પશ્યેદ્ધેવદમનં સ ન યાત્રા ફલં લભેત્  l


શ્રીનાથં દેવદમનં પશ્યેદ્ગોવર્ધને ગિરૌ


ચતુર્ણાં ભુવિ નાથાનાં યાત્રાયાઃ ફલમાપ્નુયાત્  ll


આમ, સંપૂર્ણ ભારત જ નહીં વિદેશોમાંથી પણ ભક્તો શ્રીનાથજીનાં દર્શન કરવા માટે આવે છે એટલું જ નહીં અહીં યોજાતા વિવિધ ઉત્સવોમાં પણ ખૂબ જ ભક્તિપૂર્વક ભાગ લે છે.


વૈષ્ણવો લાડથી કહે છે શ્રીજીબાવા


શ્રીનાથજી દેવદમન, ઇન્દ્નદમન અને નાગદમન એવા પણ નામ છે પરંતુ વૈષ્ણવો તેમને લાડથી શ્રીજીબાવા અથવા શ્રીનાથજી કહે છે. શ્રીમદ્ ભાગવત શ્રીજીબાવાનું વાંઙમય સ્વરૂપ છે, તેના ૧૨ સ્કંધ શ્રીજીબાવા ના ૧૨ અંગ છે.  ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વતને ઊંચકીને સતત સાત દિવસ સુધી ધારણ કરીને દેવરાજ ઈન્દ્રનું ઘમંડ ઉતારી દીધું હતું. તેમની આવી લીલાને કારણે તેઓ આખા જગતમાં ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓએ ઈન્દ્રનું ઘમંડ ઉતારવા માટે ઈન્દ્રદમન, કાલિયા નાગ માટે નાગદમન, બ્રહ્ના, વરુણ, યમરાજ, કામદેવ વગેરેનું અભિમાન ઉતારવા માટે દેવદમન તરીકે પ્રખ્યાત થયા હતા. કળિયુગમાં જીવોનાં ઉદ્ધાર માટે તેઓ ગિરિરાજ ગોવર્ધન પર પ્રકટ થઈ શ્રીનાથજીના નામે જગપ્રસિદ્ધ થયા.


શ્રીનાથજીનું સ્વરૂપ છે મનમોહક


શ્રીનાથજીનું સ્વરૂપ નિહાળતાં જ હૃદય ગદ્ગદિત થાય. બીજી રીતે કહીએ તો શ્રીનાથજીનું સ્વરૂપ એટલું મનમોહક છે કે તેમના મુખારવિંદ ને જોતા જ પુષ્ટિજીવો મોહિત થઇ જાય છે. નાથદ્વારામાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે. ગોવર્ધનગિરિ પર્વત ઉપર વ્રજવાસીઓને શ્રી ગોવર્ધનરણની વામ ભૂજાના દર્શન થયાં. શ્રી મહાપ્રભુજીના મતે શ્રીમદ્ ભાગવતના સ્વરૂપને શ્રીનાથજીના એકાત્મ સ્વરૂપે માનવામાં આવે છે.


શ્રીનાથજીનું સ્વરૂપ સ્વયં પ્રકાશિત છે.તેમનું સ્વરૂપ ગોવર્ધનને ધારણ કર્યા તે સમયનું છે. તેમના સ્વરૂપ અંગે એવું કહેવામાં આવે છે કે તેમના ડાબા હાથ વડે ભક્તોને પોતાના શરણમાં લીધા છે. જમણા હાથની મુઠ્ઠી આપણને પ્રતિતિ કરાવે છે કે આપણા બધાનું મન ભગવાનની મુઠ્ઠીમાં હોઈ આપણે તેમનામાં ઓતપ્રોત થઈ ગયા છીએ. સંસારમાં જ રચ્યા-પચ્યા રહેનારાઓને અંગુઠો દેખાડી કહે છે કે હું તમારા માટે નથી જે શરણે આવશે તે જ નિકુંજમાં પ્રવેશી શકશે.જમણી બાજુ કમર પર રાખેલા હાથ પ્રતીતિ કરાવે છે કે વાસનામાંથી જીવોને છોડાવનાર પણ હું જ છું.