નવી દિલ્હી: કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે શનિવારે બજેટ રજૂ કરશે. સામાન્ય લોકોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. નોકરીયાત ઈન્કમટેક્ષમાં રાહત ,પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચાય તેવુ ઈચ્છે છે. આ બજેટમાં ગૃહિણીઓ પણ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થાય તેવું ઈચ્છે છે.


સરકાર આ બજેટમાં ડિવિડંન્ડને આવકમાં જોડવાની જાહેરાત કરી શકે છે. તેનો મતલબ એ થશે કે ડિવિડંન્ડને આવકનો એક હિસ્સો માનવામાં આવશે. તેના બદલે સરકાર કંપનીઓને રાહત આપી ડિવિડંન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી)ને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ હવે સરકાર આવક વેરાના દરોમાં પણ રાહત આપે તેવી શક્યતા પર ચર્ચા થઈ રહી છે. 1લી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં આ માટેની શક્યતા રહેલી છે.

આર્થિક સર્વેમાં નાણા મંત્રીએ નાણાકીય વર્ષ 2020-21 માટે દેશનો જીડીપી ગ્રોથ 6 ટકાથી 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. નોંધનીય છે કે હાલ 2019-20ના વર્ષ માટે દેશના જીડીપીનું અનુમાન 5 ટકા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી 6.8 ટકા રહ્યો હતો.