મુંબઈ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ શનિવાર એટલે આજે બજેટ રજૂ કરશે. બજેટના કારણે આજે શેરબજારમાં શનિવાર હોવા છતા ટ્રેડિંગ ચાલું રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, બજેટની જાહેરાતથી બજારમાં ઘણાં ઉતાર-ચઢાણ જોવા મળે છે. 2015માં પણ બજેટના દિવસે શનિવાર હોવાના કારણે BSE પર ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે શનિવાર-રવિવારે શેર બજાર બંધ રહે છે.


સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં મોટી રાહત આપે તેવી સંભાવના છે. શેર ખરીદ્યાના એક વર્ષ બાદ વેચવા પર જો એક લાખ રૂપિયાથી વધારે નફો થાય તો તેની પર હાલ 10% ટેક્સ લાગે છે. હવે એવી અટકળો પણ છે કે, આ ટેક્સને ખતમ કરી શકાય છે અથવા તો આનો સમય વધારીને 2 વર્ષ કરવામાં આવે તેવી સંભાવના છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સના નિયમોમાં પણ ફેરફાર કરાય તેવી સંભાવના છે.

ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સુપર રિચ પર સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. વિદેશ રોકાણકારો પણ આની હેઠળ આવે તેવું માનવામાં આવ્યું હતું. જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, સરકારે થોડા દિવસો બાદ સરચાર્જ વધારવાનો નિર્ણય પરત ખેંચ્યો હતો.

બજેટના દિવસે સેક્ટર વિશેષ માટે જે જાહેરાત કરવામાં આવે છે તેની સેક્ટર વિશેષની કંપનીઓના શેર પર અસર જોવા મળે છે. મોદી સરકારના છેલ્લા 6 પૂર્ણ બજેટની વાત કરવામાં આવે તો બજેટના દિવસે 4 વખત શેર બજાર નુકસાનમાં રહ્યું હતું. ગત વર્ષે 5 જૂલાઈએ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનસેક્સ 1% અને નિફ્ટી 1.14% ડાઉન રહ્યું હતું.