નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ? ન મળ્યું કાળું નાણું
નવી દિલ્હીઃ શું નોટબંધી ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી સાબિત થઈ છે. બુધવારે રિઝ્વ બેંકના આંકડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના પ્રયોગોને મહદ્અંશે ફ્લોપ શો સાબિત કર્યા છે. 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જે પસીનો છોડાવી દે તેવી કસરત થઈ, તે કસરતની કિંમત માત્ર 16 હજાર કરોડ રૂપિયા જ નીકળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમા થયેલ બંધ નોટની ગણતરીમાં 8 મહિનો સમય લગાવનાર રિઝર્વ બેંકે ફાઇનલી જ્યારે નોટ ગણીને જણાવ્યું તો એ જાણવા મળ્યું કે, મોટાભાગની નોટ પરત બેંકમાં આવી ગઈ છે. એવામાં સવાલ ઉભા થાય છે કે શું નોટબંધી દ્વારા કાળાનાણું સફેદ કરવામાં આવ્યું?
દેશાં ફરી રહેલું કાળું નાણું બહાર લાવવાની જાહેરાતો સાથે થયેલી નોટબંધીની વાત આ સાથે ઠગારી નીવડી છે. કરચોરો તેમની બેહિસાબી રોકડ બેન્કોમાં જમા નહીં કરાવે તેમ માનવામાં આવતું હતું પરંતુ તેમ થયું નથી. બીજી તરફ ચલણી નોટો રદ કરવાના કારણે આરબીઆઇ પર ભારે ખર્ચનો બોજ પડ્યો છે.
આરબીઆઇએ કહ્યું કે, ૩૦ જૂન ૨૦૧૭ સુધીના આંકડા પ્રમાણે રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડની નોટ પરત આવી હોવાનો અંદાજ છે. ચોક્કસ આંકડા મેળવાય નહીં ત્યાં સુધી આ એક અંદાજ રહેશે.
પીએમ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 500-1000ની નોટ રદ કરવાની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ કાળાં નાણાં, બનાવટી નોટો પકડવાનો અને ત્રાસવાદને ફંડિંગ અટકાવવાનો હતો. આ પગલાના કારણે દેશભરમાં બેન્કો અને એટીએમની બહાર લાંબી લાઇનો થઈ હતી અને ગ્રાહકોને નવી નોટ આપવામાં આરબીઆઇને ઘણી તકલીફ પડી હતી. તેના કારણે લોકોએ આવક ગુમાવી હતી તથા આર્થિક ઊથલપાથલ મચી ગઈ હતી. સાથે સાથે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.
આરબીઆઇએ કહ્યું કે ગયા નવેમ્બરમાં રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડની નોટો ચલણમાં હતી તેમાંથી રૂપિયા ૧૫.૨૮ લાખ કરોડ ડિપોઝિટ થઈ ગયા છે જે સરકારની અપેક્ષાથી સાવ વિરુદ્ધ છે. ગયા વર્ષે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે રૂપિયા ૧૫થી ૧૬ લાખ કરોડ ચલણમાં છે તેમાંથી બેન્કોમાં ૧૦થી ૧૧ લાખ કરોડ ડિપોઝિટ થવાની સરકારને અપેક્ષા છે. બાકીના ચારથી પાંચ લાખ કરોડનો ઉપયોગ ઈશાન ભારત અને જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં થાય છે, તે ખતમ થઈ જશે તેમ રોહતગીએ કહ્યું હતું.
જોકે વિપક્ષના આકરા પ્રહારનો જવાબ આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, નોટબંધીનો ઉદ્દેશ પૈસા જમા કરાવવાનો નહોતો. નકલી નોટોની જાણકારી મેળવવાનો હતો. નોટબંધીથી આતંકવાદ અને નક્સલવાદ પર અસર થઈ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડની લેણ-દેણ ખતમ કરવાનો હતો. તેનાથી રોકડનું આદાન-પ્રદાન 17 ટકા ઘટી ગયું છે. નોટબંધીનો પ્રભાવ એકદમ યોગ્ય રસ્તા પર છે.
આરબીઆઇનો નોટ છાપવાનો ખર્ચ વધીને રૂપિયા ૭,૯૫૦ કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂપિયા ૩,૪૨૧ કરોડ હતો. આ મુદ્દે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધી શું કાળા નાણાંને સફેદ કરવાની કવાયત હતી/ સરકારના આ નિર્ણયથી દેશને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે કુલ 15,44,444 કરોડ રૂપિયામાંથી 16,000 કરોડ પાછા ફર્યા નથી. ખરેખર તો આરબીઆઈને શરમ આવવી જોઈએ કે તેણે આવી યોજનાને સમર્થન આપ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -