ગ્રાહક રાજા બનશે, નહીં ચાલે બિલ્ડરોની મનમાની, આજથી લાગુ થયો રિયલ એસ્ટેટ કાયદો
નવી દિલ્હીઃ આજથી ઘર ખરીદવાનો હિસાબ-કિતાબ બદલાઈ જશે. આજથી દેશભરમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ નવો કાયદો Real Estate Regulation and Development (RERA) લાગુ થવા જઈ રહ્યો છે. કાયદા અંતર્ગત બનનારી નવી ઓથોરિટી સુનિશ્ચિત કરશે કે ખરીદદારની સાથે બિલ્ડર મનમાની ન કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ અને ઓડિશાએ રેરાના નિયમો નક્કી કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સોમવારે રેરાના કમિશનરની નિમણૂક થવાની સંભાવના છે અને ત્યારબાદ હાલના તમામ ચાલુ પ્રોજેક્ટ્સનું તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રેરાના અમલ સાથે રિયલ એસ્ટેટમાં લોકપ્રિય ‘પ્રિ-લોન્ચ’ સિસ્ટમનો અંત આવશે.
રાજ્યોએ ૧ ઓક્ટોબર પહેલાં નિયમો નોટિફાઇ કરવાના હતા પરંતુ અનેક રાજ્યોએ હજી સુધી નિયમો બનાવ્યા નથી. ક્રેડાઇના નેશનલ પ્રેસિડન્ટ જક્ષય શાહે જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યોએ હજુ સુધી નિયમો નોટિફાઇ નથી કર્યાં, પરંતુ સરકાર સાથેની અમારી વાટાઘાટ દરમિયાન એ સુનિશ્ચિત થયું છે કે તે રાજ્યો આગળ વધી રહ્યા છે અને અમને અપેક્ષા છે કે આ રાજ્યોમાં ફાઇનલ નિયમો નોટિફાઇ થશે અને રેગ્યુલેટરની પણ નિમણૂક ટૂંક સમયમાં થશે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, રેરાનો સોમવારથી અમલ થવાથી નવો યુગ શરૂ થશે. ડેવલપરોએ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવવાનો સમય આવી ગયો છે. રેરા એકાઉન્ટેબિલિટી, પારદર્શિતા અને કાર્યદક્ષતાને પ્રોત્સાહન આપે છે. ગ્રાહક રાજા બનશે. પ્રમોટરને રાજાના આત્મવિશ્વાસથી લાભ મળશે.
રેરાના કારણે ગ્રાહકોને સૌથી મોટો લાભ એ થશે કે ડેવલપરોએ પઝેશન માટે આપેલા વચનને વળગી રહેવું પડશે અને જો તેમાં વિલંબ થશે તો પ્રત્યેક મહિને ગ્રાહકને વ્યાજ ચૂકવવું પડશે. બિલ્ડરોએ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, લીગલ ટાઇટલ ડીડ સહિતના દસ્તાવેજો સાથે રેરા ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તેના આધારે તેમને પ્રોજેક્ટ દીઠ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. રજિસ્ટ્રેશન થયા પહેલાં ડેવલપર કોઇ પણ પ્રકારે પોતાના પ્રોજેક્ટની જાહેરાત નહીં કરી શકે અને ગ્રાહકોને પ્લોટ કે મકાન જોવા માટે આમંત્રણ પણ નહીં આપી શકે. દરેક એડવર્ટાઇઝમેન્ટમાં ડેવલપરે રેરા રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે.
નિયમનતંત્ર એક વેબસાઇટ પણ બનાવશે અને તેમાં તેની પાસે રજિસ્ટર્ડ થયેલા તમામ પ્રોજેક્ટની માહિતી લોકોને મળશે. રેરાનો અમલ થયા બાદ પઝેશનના સમયપાલનની ચુસ્તતા ઉપરાંત પાંચ વર્ષ સુધી બાંધકામની ગુણવત્તા માટે પણ ડેવલપર બંધાયેલા રહેશે.
પ્રોજેક્ટ પૂર્ણ થયાના પાંચ વર્ષ સુધીમાં સ્ટ્રક્ચરલ કે અન્ય કામમાં કોઇપણ ખામી હોય તો ગ્રાહકો ડેવલપરને જાણ કરી શકશે અને ડેવલપરે ૩૦ દિવસમાં કોઇ વધારાના નાણાં વસૂલ્યા વગર તેનો ઉકેલ લાવવાનો રહેશે. રિયલ્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમય જતાં ઉદ્યોગમાં પારદર્શિતા વધવાથી ભંડોળના વધારે વિકલ્પો ઉપલબ્ધ બનશે અને ગ્રાહકોને રક્ષણ મળવાથી મકાનોની માંગ વધશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -