Delhi 16 Year Old Girl Murdered: દિલ્હીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રસ્તાની વચ્ચે બની હતી પરંતુ લોકો સગીરાને બચાવવા આગળ આવ્યા નહોતા. બીજી તરફ આરોપી સગીરા પર ચાકુથી હુમલો કરતો રહ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટના 28 મેની છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સાહિલ નામના છોકરા પર હત્યાનો આરોપ છે. સાહિલ અને સગીરા સારા મિત્રો હતા, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ બોલવાનું બંધ કરી દીધું. આ પછી જ્યારે સગીરા તેની મિત્રના પુત્રના જન્મદિવસ પર જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે સાહિલે યુવતીને રસ્તામાં રોકી હતી. ત્યારબાદ તેના પર છરી વડે અનેક વાર કર્યા હતા. બાદમાં પથ્થરથી તેનું માથુ છૂંદી નાખ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આરોપી સાહિલ ફરાર છે. આરોપીઓની શોધમાં સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું હતું કે "દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દિલ્હીની મહિલાઓ સુરક્ષા ઈચ્છે છે. અરવિંદ કેજરીવાલને શ્રાપ ન આપો."
સ્વાતિ માલીવાલે પોલીસને નોટિસ પાઠવી હતી
DCW પ્રમુખ સ્વાતિ માલીવાલે આ સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટના ખૂબ જ ક્રૂરતાથી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ઘણા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને જોયા પછી પણ તેને નજરઅંદાજ કરી રહ્યા હતા.
સ્વાતિ માલીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "દિલ્હીની શાહબાદ ડેરીમાં એક નાનકડી માસૂમ ઢીંગલીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી અને પછી તેના માથાને પથ્થરથી છૂંદી નાખવામાં આવ્યું. પોલીસને નોટિસ જાહેર કરી રહ્યા છીએ. તમામ હદ વટાવી દેવામાં આવી છે. મે આટલા વર્ષોમાં આનાથી વધુ ભયાનક કંઈ જોયું નથી.
દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ જણાવ્યું કે, આરોપીની ઓળખ થઈ ગઈ છે. ઘણી ટીમો બનાવવામાં આવી છે. તપાસ ચાલી રહી છે. બહુ જલદી અમે તેની ધરપકડ કરીશું.
સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે સાહિલ નામના આરોપીએ સગીરા પર 21 વખત ચાકુથી વાર કર્યો હત. સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત તો એ છે કે એક સગીરાની જાહેરમાં હત્યા થઈ રહી હતી પરંતુ આસપાસના લોકો મુંગા મોઢે આ આખોય તમાશો જોતા રહ્યા હતા. ત્યાં હાજર કોઈએ પણ સગીરાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.