Hyderabad Honour Killing: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ઓનર કિલિંગનો નવો મામલો સામે આવ્યો છે. હૈદરાબાદના સાહિનાથગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બેગમ બજારનો આ મામલો છે. જ્યાં કેટલાક લોકોએ મળીને એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી ગચી. ઘટનાની માહિતી મળતા ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને આ મામલે તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


દોઢ વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન


પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ નીરજ પવાર તરીકે થઈ છે. નીરજે દોઢ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. મહિલાના પરિવારના સભ્યો તેમના લવ મેરેજથી નારાજ હતા. પોલીસને આશંકા છે કે તેની હત્યા પાછળ નીરજની પત્નીના પરિવારના સભ્યોનો હાથ હોઈ શકે છે. નીરજના પરિવારના સભ્યોએ તેની પત્નીના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સાથે જ પોલીસે ગુનો નોંધીને તેની તપાસ શરૂ કરી છે.


જાહેરમાં છરાના ઘા થતાં રહ્યાં પણ બચાવવા કોઈ ન આવ્યું આગળ


પોલીસને મળેલી માહિતી પ્રમાણે નીરજ પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જે સમયે નીરજ પર હુમલો થયો તે સમયે આસપાસ ઘણા લોકો હતા. પરંતુ કોઇએ આગળ વધીને નીરજને મદદ કરી ન હતી. ગુનો આચર્યા બાદ આરોપીઓ બે બાઇક પર ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા નીરજને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.


નાગરાજુ ઓનર કિલિંગનો ભોગ બન્યો હતો


4 મેના રોજ હૈદરાબાદના સરૂરનગરમાં નાગરાજુ નામના યુવક પર તેની પત્નીના ભાઈએ ચાકુથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. નાગરાજુએ બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. છોકરીનો ભાઈ ખૂબ ગુસ્સે થયો હતો. એટલા માટે યુવતીના ભાઈએ બીચ રોડ પર નાગારાજુની હત્યા કરી નાખી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાદમાં પોલીસે આ કેસમાં યુવતીના ભાઈ અને એક મિત્રની ધરપકડ કરી હતી.