SURAT : નો ડ્રગ અભિયાનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાંચ (Surat crime branch)ને મોટી સફળતા મળી છે.  સુરત શહેર ક્રાઇમ બ્રાંચે  શહેરમાં કોકેઈન અને ડ્રગસના મુખ્ય પેડલર ઇસ્માઇલ ગુર્જરની ધરપકડ  કરી છે. ક્રાઇમ બ્રાંચે  ફિલ્મી ઢબે ઇસ્માઇલની ધરપકડ કરી છે, ઇસ્માઇલ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયા છે. ઇસ્માઇલ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગુના  આચરી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં થોડા દિવસો પહેલા SOG દ્વારા 40 કિલો કોકેઈન મંગાવવામાં આવ્યું હતું અને આ કોકેઈન લઈને આવનાર દંપત્તિને ઝડપી પાડવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચ (Surat crime branch)ત્યારથી આ કોકેઈન મંગાવનાર મુખ્ય પેડલરની શોધમાં હતી. આખરે  ક્રાઇમ બ્રાંચે  શહેરમાં કોકેઈન અને ડ્રગસના મુખ્ય પેડલર ઇસ્માઇલ ગુર્જરની ધરપકડ  કરી છે.


મુન્દ્રા પોર્ટ 376 કરોડ હેરોઇન કેસમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી 


ત્રણ દિવસ પહેલા મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 376 કરોડના હેરોઇનના કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATSએ આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે ધરપકડ બાદ દિપક કિંગર નામના શખ્સને ભુજ NDPS કોર્ટમાં  રજૂ કરવામાં આવ્યો હતો. ભુજ NDPS કોર્ટે આ શખ્સના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુન્દ્રા પોર્ટ પરથી મળી આવેલા 376 કરોડના હેરોઇનના કેસમાં ઇમ્પોર્ટર તરીકે માલ મંગાવવામા દિપકની  મોટી ભૂમિકા હોવાનું કહેવામાં આવી રહયું છે. 


ત્રણ દિવસ પહેલા ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર નજીક એક કન્ટેનરમાંથી આશરે 75.3 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે 376 કરોડ રૂપિયા છે. ગુજરાતના પોલીસ DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે કાપડની થેલીમાં છુપાયેલ હેરોઈનનું કન્સાઈનમેન્ટ, સત્તાવાળાઓને છેતરવા માટે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી ભારતમાં મોકલવામાં આવ્યું હતું અને પંજાબ લઈ જવાનું હતું.