મહુવાઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસ પર છે. તેમણે ભાવનગરના મહુવામાં જનસભાને સંબોધી હતી. અમરેલી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને જીતાડવા માટે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કોગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતો માટે અલગ બજેટ બનાવશે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મોદીએ 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પરંતુ પાંચ વર્ષમાં ભાજપે આપેલા વચનો પુરા કર્યા નથી. ખેડૂતો સાથે પાક વીમાના નામે છેંતરપિંડી થઇ રહી છે. હાલમાં ભારતમાં બેરોજગારી વધી છે.


ન્યાય યોજનાની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ન્યાય યોજના હેઠળ મહિલાઓના ખાતામાં રૂપિયા જમા થશે. ભાજપ કહે છે પૈસા ક્યાંથી આવશે? ન્યાય યોજનાના પૈસા ભાગેડુઓના બેંક ખાતામાંથી આવશે. મહિલાઓના ખાતામાં પૈસા જમા થશે. કોંગ્રેસ ઇનકમ ટેક્સ નહીં વધારે. ન્યાય યોજનાને કારણે મધ્યમવર્ગ પર ઇન્કમટેક્સનો બોજો પડવા નહી દઇએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારમાં ઉદ્યોગપતિના દેવા માફ થાય છે પરંતુ ખેડૂતોના થતાં નથી. ખેડૂતોની થોડી પણ લોન બાકી હોય તો તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ અગાઉ હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખીને 26 બેઠકો આપી દિલ્હી મોકલ્યા પરંતુ જનતાની અપેક્ષા અનુસાર કામ થયું નહીં.

ભાજપ કોંગ્રેસ  સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. થોડા સમય પહેલા મહુવામાં ખેડૂતો પર લાઠી વરસાવવામાં આવી હતી. આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે. ભાજપ સરકારનું શાસન છે છતાં હજુ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શોકેસમાં મુકવા પડશે, આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં છે.