Lok Sabha Election News Updates: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે. ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે, ત્યારે કોંગ્રેસે હજુ પણ ગુજરાતમાં પોતાના સાત ઉમેદવાર જાહેર નથી કર્યા. હવે સુત્રો તરફથી માહિતી છે કે, કોંગ્રેસ આજે કે આવતીકાલે ગુજરાતના બાકી રહેલા સાત લોકસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરી શકે છે.


ગુજરાતમાં કોંગ્રેસ એક-બે દિવસમાં નવી યાદી જાહેર કરીને સાત ઉમેદવારોના નામે જાહેર કરી શકે છે. કોંગ્રેસના લોકસભાના બાકીના ઉમેદવારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્હીમાં કોંગ્રેસની CECની બેઠક મળવાની છે. આ સીઇસીની બેઠકમાં લોકસભા ચૂંટણી માટેના બાકીના ઉમેદવારો અંગે ચર્ચા અને મંથન કરાશે. ગુજરાતમાં લોકસભાની બાકીની સાત બેઠકોના ઉમેદવારોને મંથન થશે. 


ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ અવઢવમા છે અને કેટલીક બેઠકો પર કોકડૂં ગૂંચવાયુ છે. હાલમાં સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠક પર કોંગ્રેસ માટે કોકડૂ ગૂંચવાયું છે. સુરેન્દ્રનગરથી રાજેશ ગોહિલ, ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગરથી કોંગ્રેસ આ વખતે મહિલા ઉમેદવારને પણ ટિકિટ આપી શકે છે. સુરેન્દ્રનગર બેઠક પર કલ્પના મકવાણાનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાના પ્રયાસો યથાવત છે. જો ધાનાણી ઈન્કાર કરે છે તો હિતેષ વોરાને ટિકીટ મળી શકે છે. જૂનાગઢથી હીરા જોટવા, જલ્પા ચૂડાસમાનું નામ ચર્ચામાં છે. 


આ ઉપરાંત મહેસાણા બેઠક પરથી બળદેવજી ઠાકોરને ચૂંટણી લડાવવાના પ્રયાસ ચાલી રહ્યો છે. મહેસાણાથી આશાબેન ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. નવસારીથી શૈલેષ પટેલને લોકસભાની ટિકીટ મળી શકે છે. જોકે આ વખતે કોંગ્રેસને નવસારીમાં નવો ચહેરો શોધવો પડશે, હાલમાં કોઇ ઉમેદવાર નથી મળી રહ્યો, પાર્ટી નવસારી બેઠક માટે નવા ચહેરાની શોધખોળ કરી રહી છે. અમદાવાદ પૂર્વથી બે ઉમેદવારોના નામ ચર્ચામાં છે, જેમાં દલસુખ પટેલ અને ગીતા પટેલ ઉમેદવારોની રેસમાં સૌથી આગળ છે.