Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે બેંકોને દૈનિક STR (શંકાસ્પદ વ્યવહાર અહેવાલો) ફાઇલ કરવા માટે જણાવ્યું હતું.


મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જાહેરાત કરી હતી કે તમામ બેંકોએ શંકાસ્પદ વ્યવહારો પર દૈનિક અહેવાલ મોકલવાની જરૂર પડશે. મની પાવરને રોકવા અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.


લોકસભા 2024ની ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું, અમે અમે જાણીએ છીએ કે વિવિધ રાજ્યોમાં ઘણી નબળાઈઓ છે – વોટ માટે મની પાવર અને મસલ્સ પાવરનો ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. મની પાવર પર કંટ્રોલ માટે  NPCI, GST, બેંકો જેવી સત્તા પ્રાપ્ત એજન્સીઓ અને સંસ્થાઓ શંકાસ્પદ વ્યવહારોને ટ્રેક કરશે.


નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પર કડક નજર રાખવામાં આવશે


પંચે કહ્યું કે ચૂંટણીમાં દારૂ, રોકડ, અન્ય મફત વસ્તુઓ અને ડ્રગ્સના વેચાણને રોકવા માટે તેના માટે જવાબદાર નેતાઓ સામે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. આ સાથે પોલીસ અને અન્ય એજન્સીઓએ સંવેદનશીલ વસ્તુઓનું મફતમાં ગેરકાયદેસર વિતરણ અટકાવવું જોઈએ અને ગેરકાયદેસર ઓનલાઈન રોકડ ટ્રાન્સફર પર કડક દેખરેખ રાખવી જોઈએ. આ સાથે, સૂર્યાસ્ત પછી બેંક વાહનોમાં રોકડની હેરફેર કરી શકાશે નહીં. નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પર કડક નજર રાખવામાં આવશે અને સર્ચ કરવામાં આવશે. ઉપરાંત, રોકડ/દારૂ/ડ્રગ્સના રૂટને ઓળખવા માટે અસરકારક સંકલન અને જીવંત ટ્રેકિંગની જરૂર છે.


આ 7 તબક્કામાં યોજાશે મતદાન



  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે.  

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.