ભુવનેશ્વરઃ ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. વિધાનસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીએ કોરઇ વિધાનસભા સીટ પરથી એક ટ્રાન્સજેન્ડરને ટિકિટ આપવાનો ફેંસલો કર્યો છે. બીએસપીની ટિકિટ પર કોરઇથી 27 વર્ષીય ટ્રાન્સજેન્ડર કાજલ નાયક ચૂંટણી લડશે.

જાજપુર જિલ્લાની કોરઇ સીટ પરથી ચૂંટણી લડવાની તૈયારીમાં લાગેલી કાજલ એક સામાજિક કાર્યકર્તા છે. કાજલે કહ્યું કે, મને ખુશી છે કે બીએસપીએ ટિકિટ આપી. મેં અનેક પક્ષોનો સંપર્ક કર્યો હતો પણ કોઇએ મને ટિકિટ આપવામાં રસ દાખવ્યો નહોતો. મારામાં અને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં ભરોસો દર્શાવવા માટે હું બીએસપીનો આભાર માનું છું.

કાજલ ટ્રાન્સજેન્ડર એસોસિએશન ઓફ જાજપુરની અધ્યક્ષ છે અને ત્યાં ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોની સાથે સ્થાનિક મુદ્દા માટે કામ કરે છે. બીએસપી નેતા કૃષ્ણ ચંદ્ર સાગરિયાએ કહ્યું કે, બીએસપી તમામ સમુદાયના સામાજિક સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે. કોઈ ટ્રાન્સજેન્ડર્સ અંગે વાત નથી કરતાં પરંતુ અમે તેમનો વિકાસ ઇચ્છીએ છીએ. પાર્ટી તેમને મુખ્યપ્રવાહમાં લાવવા માંગે છે તેતી કાજલને ટિકિટ આપી છે.

ઓડિશા વિધાનસભાની 147 સીટો માટે ચાર તબક્કામાં ચૂંટણી થશે.