અમદાવાદઃ લોકસભા ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હવે હાર્દિકે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે.


અહીં એ નોંધવું જોઇએ કે, ચોથી એપ્રિલ ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ છે. વિસનગર કેસમાં બે વર્ષની સજામાં જામીન પર છૂટેલો હાર્દિક દોષમાંથી મુક્ત થવા માંગે છે. જો કોર્ટ તેને દોષમુક્ત કરે તો જ તે ચૂંટણી લડી શકે તેમ છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે. જો ચોથી તારીખે હાર્દિકની અરજી પર ચુકાદો ન આવે તો હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે નહીં. હવે આ કેસમાં ચોથી તારીખે શું થાય તેના પર સૌની નજર છે.



ગઈ કાલે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત પછી હાર્દિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નોંધનીય છે કે, વિસનગર ધારાસભ્યની ઓફિસમા તોડફોડ કેસમા હાર્દિકને નીચલી કોર્ટના મનાઇહુકમ મેળવવાની રીટ હોઇકોર્ટે ફગાવી દિધી હતી. હાઇકોર્ટેના હુકમ સામે હાર્દિક પટેલે સુપ્રીમમાં સ્પેશિયલ લીવ પીટીશન કરી છે.



હાઈકોર્ટે અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આ અરજીમાં હાર્દિકે સજા સામે કરેલી અપીલ પર નિર્ણય લેવાનો નથી. એટલે પુરાવાનું મુલ્યાંકન આ અરજીમાં ના કરાય. કન્વીક્શન સ્ટે કરવાની અરજી નક્કી કરતી વખતે કેસની વિગતો સિવાય આરોપીની ઓવરઓલ વર્તણૂક અને વર્તન પણ મહત્વનું પાસુ છે. રાજદ્રોહના બે ગુનાઓમાં કાયદો અને વ્યવસ્થાની બાંહેધરી પર હાર્દિકને જામની પર મુક્ત કરાયો હતો. હાર્દિકે આ શરતોનું પાલન નથી કર્યું અને 17 જેટલા બીજા ગુનાઓની એની સામે એફઆઇઆર થઈ છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે, પુરાવાનો અભાવ હોવા છતાં ટ્રાયલ કોર્ટે સજા કરી એવી હાર્દિકની દલિલ હાલના તબક્કે માની શકાય એવી નથી.



બીજી તરફ હાર્દિકે દાવો કર્યો હતો, કે તેને દોષિત જાહેર કરવાનો નીચલી કોર્ટનો નિર્ણય ભૂલ ભરેલો છે. પુરાવાઓના યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના જ તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ભૂલ ભરેલા નિર્ણય પર મનાઈ હુકમ અપાવો જોઈએ. લોકસભા ચૂંટણી લડવા માટે કન્વિક્શન પર સ્ટે જરૂરી છે. હાર્દિક જનપ્રતિનિધિ બનીને લોકસભામાં લોક પ્રતિનિધિત્વ કરવા માંગે છે. જો કોર્ટ કન્વિક્શન પર સ્ટે ના આપે તો બદલી જ ના શકાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.