મુંબઈ: કોરોનાના દર્દીઓની સેવા કરનારી એક્ટ્રેસ શિખા મલ્હોત્રા ગુરુવારે રાતે લકવાની શિકાર થઈ ગઈ છે. તેને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી શિખા એક સર્ટિફાઈડ નર્સ પણ છે અને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તેણે મુંબઈની જોગેશ્વરી સ્થિત હિંદુ હ્રદય સમ્રાટ ટ્રોમા સેન્ટરમાં એક નર્સ તરીકે કોરોનાના દર્દીઓની સેવા કરી હતી. એક નર્સ તરીકે કોરોના દર્દીઓની સેવા તેણે લગભગ 6 મહિના સુધી કરી. તે દરમિયાન તે કોરોના સંક્રમિત થઈ ગઈ હતી.

હોસ્પિટલમાં સેવા દરમિયાન શિખા ઓક્ટોબરમાં કોરોનાનો શિકાર થઈ હતી અને સ્વસ્થ થયા બાદ 22 ઓક્ટોબરે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.


શિખાના લકવાગ્રસ્ત થવાની જાણકારી આપતા શિખાનું કામકાજ સંભાળનાર અશ્વિની શુક્લાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ગઈકાલે રાતે પોતાના ઘરે લકવો થયા બાદ તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શુક્લાએ વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર મોંઘી હોવાથી બાદમાં તેને કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ છે. અશ્વિની શુક્લાએ જણાવ્યું કે, શિખા ચાલવા -ફરવાની સ્થિતિમાં નથી. જો કે, ડૉક્ટરોને જણાવ્યું છે કે, શિખાની હાલત પહેલા કરતા વધુ સારી છે.


શીખા મલ્હોત્રા ગત વર્ષે સંજય મિશ્રા સાથે ‘કાંચલી’માં હીરોઈન તરીકે નજર આવી હતી. આ પહેલા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ફેન’ અને તાપસી પન્નુ સાથે ફિલ્મ રનિંગ શાદી. કોમમાં કામ કરી ચૂકી છે.