મુંબઈઃ આલિયા ભટ્ટ બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં લીડ રોલ કરતી જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 11 સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટ પહેલી જ વાર આ રીતનું પાત્ર ભજવી રહી છે.

 ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી હતી કે સંજય લીલા ભણશાલીએ આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલ પ્લે કરશે. આ ફિલ્મને ભણશાલી પ્રોડક્શન તથા જયંતીલાલ ગડાની પેન ઈન્ડિયા લિમિટેડ સાથે મળીને પ્રોડ્યૂસ કરશે.


આ વર્ષે આલિયાની બે ફિલ્મ્સ રિલીઝ થઈ છે. સૌ પહેલાં ‘ગલી બોય્ઝ’ રિલીઝ થઈ હતી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને આ ફિલ્મને ઓસ્કર માટે પણ મોકલવામાં આવી છે. ત્યારબાદ આલિયાની ‘કલંક’ રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. આલિયા ભટ્ટ પહેલી જ વાર પિતા મહેશ ભટ્ટ સાથે ‘સડક 2’માં કામ કરી રહી છે. આ ઉપરાંત ‘બ્રહ્માસ્ત્ર’ તથા રાજામૌલીની ‘આરઆરઆર’માં પણ વ્યસ્ત છે.


કોણ હતી ગંગુબાઈ?
લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’માં ગંગુબાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંગુબાઈ સાઈઠના દાયકામાં કમાઠીપુરમાં કોઠો ચલાવતી હતી. ગંગુબાઈને તેના પતિએ વેચી નાખી હતી. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને લેવામાં આવશે. જોકે, પ્રિયંકા ચોપરા સાથે વાત અટકી પડતાં હવે સંજય લીલા ભણશાલીએ એક્ટ્રેસ આલિયા ભટ્ટને સાઈન કરી છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)