મુંબઈ: સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ઘણાં લોકો આર્થિક મદદ માટે આગળ આવ્યાં છે ત્યારે ટીવી સીરિયલની દુનિયાની સૌથી મોટી પ્રોડ્યુસર એકતા કપૂરે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા નુકસાનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. એકતા કપૂર તેના પ્રોડક્શન હાઉસની એક વર્ષના 2.50 કરોડ રૂપિયા સેલરી લે છે, પરંતુ હવે એકતાએ તેની એક વર્ષની સેલરી ન લેવાનો નિર્ણય કર્યો છે. હાલ પ્રોડક્શન હાઉસમાં થઈ રહેલાં નુકસાનને કારણે એકતાએ આ નિર્ણય લીધો છે.

હકીકતમાં કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે અને તેના કારણે ફિલ્મો અને ટીવી સીરિયલ્સની શૂટિંગ પણ બંધ છે. જેના કારણે ટીવીના પ્રોડક્શન હાઉસને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા એકતાએ સેલરી ન લેવાનો નિર્ણય કર્યો છે.

એકતા કપૂરએ આ વાતની જાહેરાત કરતા લખ્યું, હાલ કોરોનાનો પ્રકોપ ખૂબ જ વધી ગયો છે. જેથી આપણે બધાંએ એવું કંઈક કરવું પડશે જે આપણા આસપાસના લોકો અને દેશને આગળ વધવામાં મદદ કરે. મારી સૌથી પહેલી અને પ્રાથમિક જવાબદારી ડેઈલી વર્કર્સ અને ફ્રીલાન્સર તરફ છે, જેઓ બાલાજી ટેલિફિલ્મસમાં કામ કરે છે અને શૂટિંગ બંધ થવાને કારણે મોટું નુકસાન ભોગવી રહ્યાં છે.

આવું ક્યાં સુધી ચાલશે હજી કંઈ નક્કી નથી. જેથી બાલાજી ટેલિફિલ્મ્સમાંથી મળતી 2.50 કરોડ રૂપિયા મારી સેલરી ન લેવાનો નિર્ણય કરું છું. જેથી મારા સાથી કર્મચારીઓને લોકડાઉનમાં પરેશાની ન થાય. આગળ વધવાનો એક જ રસ્તો છે સાથે ચાલીએ. સુરક્ષિત રહીએ અને સ્વસ્થ રહીએ.