મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ લોકોની મદદ કરવા માટે જાણીતો થઇ ગયો છે. લૉકડાઉનથી મદદ કરવાને લઇને ચર્ચામાં આવેલો સોનુ સૂદ હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક્ટરે આદિવાસી સમુદાય સાથે જોડાયેલા આખા ગામની છોકરીઓને સાયકલો ગિફ્ટ આપી દીધી છે. થોડાક દિવસો પહેલા સોનુ સૂદ આ વાતની જાહેરાત કરી હતી, અને હવે છોકરીઓ પાસે સાયકલો પહોંચી ગઇ છે. સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરીને તેમને સોનુ સૂદને ભગવાન ગણાવતા તેમનો આભાર માન્યો છે.

સોનભદ્રની નજીક આવેલા મિર્ઝાપુરના બહારના ગામના સંતોષ ચૌહાણે પણ ટ્વીટર દ્વારા આભાર માન્યો છે. આ વાતની જાણકારી ખુદ સોનુ સૂદ ટ્વીટ કરીને આપી છે.



ખરેખરમાં, સંતોષ ચૌહાણ નામના એક યૂઝરે જણાવ્યુ હતુ કે ગામમાં 35 છોકરીઓ છે, તેમને ભણવા માટે 8 થી 15 કિલોમીટર જંગલના રસ્તાં પરથી જવુ પડે છે. ફક્ત કેટલાક પાસે જ સાયકલો છે. આ નક્સલ પ્રભાવિત રસ્તો છે. ડરથી તેના માતા પિતા તેમને આગળ નહીં ભણવા દે. જો તમે આ બધાને સાયકલ અપાવી શકો તો તેમનુ ભવિષ્ય સુધરી જશે.



આ ટ્વીટની પ્રતિક્રિયા આપતા સોનુ સૂદે લખ્યું- ગામની દરેક છોકરી પાસે સાયકલ હશે, અને દરેક છોકરી ભણશે. પરિવારજનોને કહી દેજો... સાયકલ પહોંચી રહી છે, બસ ચા તૈયાર રાખજો. આ પછી સોનુ સૂદે પોતાનો વાયદો પુરો કરતા તમામ છોકરીઓને સાયકલ પહોંચાડી દીધી છે.