Money Laundering Case: સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આજે પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. હવે જેક્લીન બાદ બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીની પણ પુછપરછ કરવામાં આવશે.
દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે સુકેશ ચંદ્રશેખર કેસમાં ફિલ્મ અભિનેત્રી અને નોરા ફતેહીને પૂછપરછ માટે આજે સમન્સ પાઠવ્યા છે. જે મુજબ નોરા ફતેહીને ગુરુવારે 15 સપ્ટેમ્બરના રોજ હાજર થવા માટે સમન્સ મોકલાયું છે. નોરા ફતેહી સવારે 11 વાગ્યે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગની ઓફિસ પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આજે બુધવારે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ પૂર્ણ થઈ હતી. જેકલીન સાથે આજની પૂછપરછ 8 કલાક સુધી ચાલી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ દરમિયાન, દિલ્હી પોલીસે અભિનેત્રી માટે 100 પ્રશ્નો તૈયાર કર્યા હતા, જેના જવાબ તેને 200 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ કેસમાં પૂછવામાં આવ્યા હતા.
નોરા ફતેહીની પહેલાં પણ પૂછપરછ કરાઈ હતી
આ કેસમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પિંકી ઈરાની અભિનેત્રીની સાથે હતી. ઈરાનીએ જ કથિત રીતે ફર્નાન્ડીઝને ચંદ્રશેખર સાથે પરિચય કરાવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં, નોરા ફતેહીની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ કેસમાં છ-સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર જેલમાં...
મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં છે. તેના પર પ્રભાવશાળી લોકો સહિત અનેક લોકોને છેતરવાનો આરોપ છે. તેમાં ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહનો પણ સમાવેશ થાય છે. EDએ 17 ઓગસ્ટે દાખલ કરેલી તેની ચાર્જશીટમાં ચંદ્રશેખરને સંડોવતા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફર્નાન્ડીઝને આરોપી તરીકે નામ આપ્યું હતું.
આ પણ વાંચો...