Jacqueline Connection With Sukesh: સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના ખંડણીના કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે બુધવારે દિલ્હીની એક કોર્ટમાં જણાવ્યું હતું કે ચંદ્રશેખરે તેની લાગણીઓ સાથે રમીને તેનું જીવન 'નર્ક' બનાવી દીધું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં અભિનેત્રીએ દાવો કર્યો હતો કે સુકેશની સહાયક પિંકી ઈરાનીએ પોતાને 'સરકારી અધિકારી' ગણાવી અને તેને કહ્યું કે તે તેને કારમાં સવારી માટે લઈ જઈ રહી છે. જેકલીનના નિવેદન મુજબ, સુકેશે પોતાનો પરિચય સન ટીવીના માલિક તરીકે આપ્યો હતો અને દાવો કર્યો હતો કે (તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી) જે. જયલલિતા તેમના માસી હતી.
જેકલીને કહ્યું હતું કે "સુકેશે મને કહ્યું કે તે તેનો મોટો ફેન છે અને મારે દક્ષિણ ભારતમાં પણ ફિલ્મો કરવી જોઈએ. સન ટીવીના માલિક તરીકે તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. તેણે કહ્યું હતું કે આપણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સાથે કામ કરવું જોઈએ. પ્રયાસ કરવો જોઈએ. સુકેશે મને ગેરમાર્ગે દોર્યો, મારું કરિયર બરબાદ કરી દીધું. જેકલીને કહ્યું હતું કે તેને પાછળથી ખબર પડી કે તેને ગૃહ અને કાયદા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તરીકે દર્શાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
પિંકી ઈરાની સુકેશ વિશે જાણતી હતી: જેકલીન
જેકલીને દાવો કર્યો હતો કે તેને સુકેશના અસલી નામ વિશે ત્યારે જ ખબર પડી જ્યારે તેને તેની ગુનાહિત ભૂતકાળ વિશે જણાવવામાં આવ્યું. અભિનેત્રીએ કહ્યું કે પિંકી ઈરાનીએ તેની સાથે છેતરપિંડી કરી હતી. તેણે ક્યારેય સુકેશના ગુનાહિત ભૂતકાળની જાણકારી આપી નથી. તેણે કહ્યું હતું કે પિંકી ઈરાની ચંદ્રશેખરની ગતિવિધિઓ અને પૃષ્ઠભૂમિથી વાકેફ હતી. પરંતુ તેણે મને ક્યારેય આ વિશે જણાવ્યું નથી. આ જ કોર્ટે 16 જાન્યુઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને અભિનેત્રી દ્વારા 27 જાન્યુઆરી પછી વ્યાવસાયિક કામ માટે દુબઈ જવાની પરવાનગી માંગતી અરજી પર નોટિસ પાઠવી હતી.
તેણે અરજી પર તાકીદની સુનાવણીની વિનંતી કરી હતી. તેથી કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ કરશે. જેકલિને ગયા વર્ષે ડિસેમ્બરમાં બહેરીનમાં તેની બીમાર માતાને મળવા માટે વિદેશ જવાની પરવાનગી માંગી હતી. જો કે, કોર્ટ તેને વિદેશ પ્રવાસની પરવાનગી આપી નહોતી.
ચંદ્રશેખર પર કથિત રીતે રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે. તેણે ફાર્મા કંપની રેનબેક્સીના ભૂતપૂર્વ માલિક શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેણે કથિત રીતે જેકલીનને ખૂબ જ મોંઘી ભેટો મોકલી હતી. જેકલીન માટે તેણે મુંબઈથી ચેન્નઈ માટે ચાર્ટર્ડ ફ્લાઈટ પણ બુક કરાવી હતી.