નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા. આ આતંકી ઘટના બાદ આખો દેશ જ નહીં પણ બોલિવૂડમાં પણ ગુસ્સો છે. બોલિવૂડ સ્ટાર આ હુમલાને લઈને ખુલીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી છે. હવે બોલિવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ પુલવામા આત્મઘાતી હુમલા પર પોતાનું નિવેદન આપ્યું છે. નિવેદનમાં નવાઝુદ્દીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.



નવાઝુદ્દીન સિદ્દીકીએ પુલવામા આતંકી હુલમાનો વિરોધ કરતા તેની ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવીએ કે, નવાઝુદ્દીનની ફિલ્મ ‘ફોટોગ્રાફ’ રિલીઝ થવાની તૈયારીમાં છે. એવા સમયે નવાઝે આ નિર્ણય કર્યો છે. પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા નવાઝુદ્દીને કહ્યું કે, ‘હું નથી ઇચ્છતો કે પાકિસ્તાનમાં મારી ફિલ્મ ફોટોગ્રાફ રિલીઝ થાય.’ રિતેશ બતરાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં નવાઝની સાથે દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સાન્યા નવાઝની લવ ઈન્ટ્રેસ્ટ બનેલ છે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ હતું. આ ફિલ્મ થિયેટર્સમાં 15મી માર્ચે રિલીઝ થશે.



નોંધનીય છે કે આ પહેલા પણ પુલવામા આતંકી હુમલાના વિરોધમાં કેટલાક ફિલ્મ મેકર્સે પાકિસ્તાનમાં તેમની ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ‘લુકા છુપી’, ‘અર્જુન પટિયાલા’, ‘મેડ ઈન ચાઇના’, ‘કબીર સિંહ’, ‘નોટબુક’ અને ‘સેટેલાઇટ શંકર’ જેવી ફિલ્મોના નામ સામેલ છે.