નવી દિલ્હી: કોરોના વાયરસના દેશભરમાં વધી રહેલા ખતરાને લઈને રજનીકાંતે મદદ માટે હાથ આગળ કર્યો છે. રજનીકાંતે વર્કર્સ માટે 50 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. રજનીકાંતે ફિલ્મ ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયા યૂનિયન વર્કર્સને આ રકમ દાન કરી છે.


દેશભરમાં કોરોના વાયરસના ખતરાના કારણે ફિલ્મો અને ટીવી સિરીયલોના શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે.જેમાં દરરોજ કામ કરતા વર્કર્સને પોતાનુ ગુજરાન ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં રજનીકાંતે આગળ આવીને એક સહયોગ તરીકે આ રકમ દાન કરી છે.



પીએમ મોદીએ પણ અપીલ કરી હતી કે તમામ લોકો આ મુશ્કેલ સમયમાં આગળ આવે અને પોતાની નીચેના માણસોને મદદ કરે. તેમણે અપીલ કરી હતી કે લોકો પોતાના હાઉસ હેલ્પની સેલેરી ન કાપે અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરે.

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 11 લોકોના મોત થયા છે.