Monika Bhadoriya: લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી વિવાદમાં છે. આ શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પહેલા મેકર્સ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી બીજા ઘણા શો છોડનારા સ્ટાર્સે પણ મેકર્સ પર આરોપ લગાવ્યા હતા.  'તારક મહેતા'માં બાવરીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મોનિકા ભદોરિયાએ પણ શોના નિર્માતાઓ સામે મોરચો માંડ્યો હતો.


મોનિકાએ ફરી એકવાર શોના સેટ પર સ્ટાર્સ સાથેના ખરાબ વર્તન વિશે વાત કરી હતી. તેણે સંકેત આપ્યો હતો કે દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ આ જ કારણોસર શો છોડી દીધો હશે.


દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ 'તારક મહેતા...' શો કેમ છોડ્યો?


બોલિવૂડ બબલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોનિકાએ ખુલાસો કર્યો હતો કે દિશા જરૂર હર્ટ થઇ હશે અથવા શોમાં પાછા આવવા માટે તેને સારું પેમેન્ટ કરવામાં આવ્યું નહી હોય. મોનિકાએ કહ્યું હતું કે "હું તેના પર ટિપ્પણી કરવા માંગતી નથી. બની શકે છે કોઇ વાતને લઇને ખોટું લાગ્યું હશે. કોઇ તમને સારા રૂપિયા આપી રહ્યું હોય અને બોલાવી રહ્યું હોય પણ તમે પાછા ફરવા માંગતા નથી તો પછી આ જ કારણ રહ્યું હશે, બીજું શું હોઇ શકે છે.


ઘણા કલાકારોને પેમેન્ટની સમસ્યાનો સામનો કરવો પડ્યો


ઇ-ટાઇમ્સ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોનિકાએ કહ્યું હતું કે તેણે પણ પૈસા મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણે ઘણા કલાકારોએ તાજેતરમાં શો છોડી દીધો હતો. મોનિકાએ કહ્યું હતું કે "મારે મારી મહેનતની કમાણી માટે એક વર્ષ સુધી લડવું પડ્યું, તો પણ તેઓ પેમેન્ટ આપવા તૈયાર ન હતા. જ્યારે મેં તેમને કહ્યું કે હવે હું CINTAAમાં ફરિયાદ કરવા જઈ રહી છું ત્યારે તેઓ ગભરાઈ ગયા અને મારું પેમેન્ટ રીલીઝ કર્યું હતું. ટીવી શો સાથેની મારી છ વર્ષની સફર દરમિયાન મને ક્યારેય નક્કી કરેલ પેમેન્ટ મળ્યું નથી. તેઓ એમ કહીને વાત બદલી દેતા હતા કે શું નક્કી કર્યું હતું તે મને યાદ નથી.


મોનિકાએ વધુમાં ઉમેર્યું હતું કે  "તેઓ દરેકના પૈસા રોકે છે. મેં એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો. હું તેમની ઓફિસમાં જતી અને બેસતી પણ ત્યાં કોઈ મદદ મળી નહોતી. જ્યારે મેં તેમને નોટિસ મોકલી ત્યારે તેઓએ મારું પેમેન્ટ આપ્યું હતું.