ચાઈનીઝ સ્માર્ટફોન વાપરો છો તો થઈ જાવ સાવધાન, અંગત માહિતીની ચોરીની શંકા
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સ્માર્ટફોન કંપનીઓને ભારતમાં કે ભારત બહાર બનતા મોબાઇલ્સના સુરક્ષિત ટ્રાન્સમિશન અને ડેટા સ્ટોરેજ માટે સિક્યોરિટી પ્રક્રિયા, આર્કિટેક્ચર, ફ્રેમવર્ક, માર્ગરેખા અને ધોરણોની માહિતી આપવા જણાવાયું છે. તેમણે જણાવ્યું કે, કંપનીઓ દ્વારા અપાયેલી માહિતીની સરકાર ચકાસણી કરશે. કોઈ કંપની સુરક્ષાના ધોરણોની જરૂરિયાતમાં નિષ્ફળ નીવડશે તો કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે ‘સુરક્ષા માપદંડનું પાલન કરવા માટે કંપનીઓને ૨૮ ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. કંપનીઓ પ્રાઈવસી સહિતના માપદંડોનું ખરેખર પાલન કરી રહી છે કે કેમ તે ચકાસવા માટે ઓડિટિંગ પણ થાય તેવી શક્યતા છે.’ સૂત્રોએ કહ્યું કે જો કોઈ કંપની નિયમનો ભંગ કરતી હોવાનું માલૂમ થશે તો કાર્યવાહી થશે અને દંડ થશે.
સ્માર્ટફોનના કોન્ટેક્ટ લિસ્ટ અને મેસેજમાં રહેલી વ્યક્તિગત માહિતીની આ કંપનીઓ ચોરી કરી રહી હોવાની સરકારને શંકા છે. જોકે માત્ર ચીનની જ કંપનીઓને નોટિસ અપાઈ છે તેવું નથી. એપલ, સેમસંગ જેવી અન્ય દેશોની કંપનીઓને તથા ભારતની જ માઈક્રોમેક્સ સહિત કુલ ૨૧ કંપનીઓને નોટિસ આપવામાં આવી છે.
સરકારના આ પગલાંને ચીન સાથેની સરહદે દોકલામમાં વધેલા ઘર્ષણ સાથે જોડવામાં આવી રહ્યું છે. સ્માર્ટ ફોન બનાવતી મોટાભાગની કંપનીઓ ચીનની છે અને સરકારને ડર છે કે આ કંપનીઓ ગ્રાહકોની માહિતી હેક કરી શકે છે. ભારતમાં કરોડો લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ સરકારે કુલ 21 મોબાઈલ નિર્માતા કંપનીઓને નોટિસ ફટકારી છે. તેનું મુખ્યા કારણ મોબાઈલ નિર્માતા કંપનીઓના સ્તર પર યૂઝર્સની જાણકારી ચોરી હોવાનું જોખમ છે. સરકારે જે કંપનીઓને નોટિસ ફટકારી છે તેમાં ચીનની મોબાઈલ નિર્માતા કંપની વીવી, ઓપ્પો, શ્યાઓમી અને જિઓની સામેલ છે.