પાટીદાર સહિતના સવર્ણોને ગુજરાતમાં અનામત વર્ગના આ લાભો આપવાની ક્વાયત શરૂ, ક્યારે થશે સર્વે ? જાણો વિગત
આયોગ સર્વેમાં બિન અનામત વર્ગોના લોકોને કેવા પ્રકારના લાભો મળવા જોઇએ. આ બાબતે તે શું ઇચ્છી રહ્યા છે તે જાણકારી મેળવશે. આ અંગેનો રિપોર્ટ એક-બે મહિનામાં રાજ્ય સરકારને સોંપવામાં આવે તેવી સંભાવના છે.
ગાંધીનગરઃ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ રાજ્યના બિન અનામત વર્ગોને ખુશ કરવા માટે ગુજરાતની ભાજપ સરકાર સક્રીય બની છે. વિધાનસભા ચૂંટણી અગાઉ શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને શાંત કરવા માટે ગુજરાત સરકારે ઓક્ટોબર-2017માં બિન અનામત વર્ગો માટે રાજ્ય આયોગની રચના કરી હતી.
આ આયોગ બિન અનામત વર્ગોને કઇ કઇ બાબતોની જરૂર છે અને તેમને ક્યા લાભો મળવા જોઇએ તે મામલે જિલ્લાવાર સેમ્પલ સર્વે કરશે. એક-બે મહિનામાં આ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. એક રિપોર્ટ પ્રમાણે, રાજ્યમા હાલમાં 49 ટકા અનામત છે. જેમને રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓમાં અનામત મળે છે. ખાસ કરીને શિક્ષણ અને નોકરી-રોજગારમાં તેમને ખાસ લાભો અપાય છે.
ઉપરાંત બિન અનામત વર્ગના લોકોને પણ નોકરીઓમાં વયમર્યાદામાં છૂટછાટ, મહિલાઓને પ્રાથમિકતા સહિતની ખાસ સવલતો પુરી પાડવા પર સરકાર વિચારણા કરી રહી છે. તે સિવાય આ વર્ગોના લોકોને વિવિધ પ્રકારના નાના-મોટા ધંધા, સ્વરોજગાર માટે લોન સહાય, વ્યાજ સહાય, સબસીડી સહિતની સુવિધા પુરી પડાશે.
એક માહિતી પ્રમાણે, સરકાર આ આયોગથી બિન અનામત વર્ગોને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, OBCને મળતાં હાલના લાભો પૈકીના મોટાભાગના લાભ આપવા વિચારણા કરી રહી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે મળતી શિષ્યવૃતિઓ, પ્રવેશમાં પ્રાથમિકતા, વિદેશમાં અભ્યાસ માટે સસ્તી લોન સહિતની સુવિધાઓ આપવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તે અગાઉ રાજ્ય સરકારે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હેઠળ ઓક્ટોબર-૨૦૧૭માં બિન અનામત વર્ગો માટે રાજ્ય આયોગની રચના કરીને તેમાં જરુરી નિમણૂંકો સાથે આ આયોગની કચેરી પણ શરૂ કરી દીધી હતી.
અનામતને કારણે પોતાને થતાં અસંતોષથી નારાજ પાટીદારોએ પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે આંદોલન શરૂ થયું હતું. બાદમાં સરકારે પાટીદારોને શાંત કરવા માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના શરુ કરીને શિક્ષણ ક્ષેત્રે વિધાર્થીઓને મોટાપાયે આર્થિક લાભો આપવાની જાહેરાત કરી હતી.
આ આયોગ બિન અનામત વર્ગો માટે જિલ્લાવાર સેમ્પલ સર્વે હાથ ધરશે. આયોગ રાજ્યના બિન-અનામત વર્ગો (સવર્ણો)ને અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી જેવા અનામત કક્ષાના ઉમેદવારોને મળતા લાભ મળે તે માટે વિચારણા આરંભી છે.