41 જેટલા ધારાસભ્યને કોંગ્રેસ બેંગલુરુ લઈ ગઈ, જાણો ક્યા ધારાસભ્ય કર્ણાટક નથી ગયા
ગાંધીનગરઃ રાજ્યનારાજકારણમાં બહુ ઝડપથી ચિત્ર બદલાઈ રહ્યું છે. બે દિવસમાં કૉંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાતા હરકતમાં આવી ગયેલી કૉંગ્રેસે તાકીદે વાડાબંધી કરીને 41 ધારાસભ્યોને બેંગલુરુ ખસેડ્યા છે. સાત ધારાસભ્યો ગુજરાતમાં છે. તેમના વિશે હજી કોઈ નક્કર માહિતી મળતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને ઠાસરાના રામસિંહ પરમારે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાને રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોની સંખ્યા છ થઈ છે. બીજીતરફ કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઈ પટેલને પછાડવાની ભાજપની યોજનાને નિષ્ફળ બનાવવા કોંગ્રેસના 41 જેટલા ધારાસભ્યોને શુક્રવારે મોડી રાત્રે ગુજરાત બહાર-કર્ણાટકના બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. આ ધારાસભ્યોને મતદાનના એક-બે દિવસ પહેલાં, ૬-૭ ઓગસ્ટે ગુજરાત પરત લવાશે. જો કે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અજુર્ન મોઢવાડિયા અને અત્યારના દંડક શૈલેષ પરમારે ૪૪ ધારાસભ્યોને બેગ્લુરુ લઈ જવાયા હોવાનો દાવો કર્યો છે.
કોંગી ધારાસભ્યોના રાજીનામાના દોર વચ્ચે શુક્રવારે દિવસ દરમિયાન વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલ, પ્રભારી અશોક ગેહલોત સહિત ટોચના નેતાઓએ શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરતાં તેમની પાસે ધારાસભ્યોની પુરતી સંખ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી ૮મી ઓગસ્ટે યોજાવાની છે અને આ ચૂંટણી આડે ખાસ્સા દિવસો બાકી હોવાથી કોંગ્રેસની વિચારધારાને વરેલાં 41 જેટલા ધારાસભ્યોને શુક્રવારે હવાઈ માર્ગે બેંગ્લુરુ લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને જુદી જુદી ટૂકડીમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ એમ અલગ અલગ એરપોર્ટ પરથી ગુજરાત બહાર લઈ જવાયા હતા. સૌરાષ્ટ્રના ૯ ધારાસભ્યોએ એકી સૂરે કહ્યું, અમે કોંગ્રેસમાં જ-કોંગ્રેસ સાથે છીએ જ્યારે જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ છટકી ગયા હતા.
શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સીકે રાઉલજી, ભોળા ગોહિલ, ચંદ્રિકાબેન બારૈયા કોંગ્રેસના એ ધારાસભ્ય જે બેંગલુરુ ગયા નથી. જ્યારે કોંગ્રેસના બે ટોચના નેતા શક્તિસિંહ અને શૈલેશ પરમાર પણ ગુજરાતમાં છે.
કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અહમદભાઈ પટેલે રાજ્યસભા માટે ફોર્મ ભર્યા બાદ ભાજપે પોતાના રાજકીય પત્તા ખોલીને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવીને કોંગ્રેસને પહેલો આંચકો આપ્યો હતો. એટલું જ નહીં, એક સમયે અહમદભાઈના ખાસ ગણાતા બલવંતસિંહ રાજપૂતને ત્રીજા ઉમેદવાર બનાવીને ચૂંટણીમાં કોંગ્રેસની જીત આસાન નથી તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. આ સાથે જ કોંગ્રેસના દોઢ ડઝનથી વધુ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો વહેતી થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -