આજે ગુજરાતમાં ખેડૂતોએ ક્યાં મુદ્દાને લઈને સરકારનો વિરોધ કર્યો, જાણો વિગત
રાજ્યના ખેડૂતો પર સરકારનો વધુ એક બોજો વધ્યો છે. આજથી રાસાયણિક ખાતર (DAP, ASP) ખાતરમાં ફરી એક વાર વધારો ઝિંકાતા ખેડૂતો ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. પંદર દિવસમાં આ બીજી વખત ભાવ વધારો થતાં ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું છે.
રાજકોટના પડધરી ખાતે પાણીની પાઈપલાઈન સહિતની માગો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર પાસે તેમની માંગને રજૂ કરી હતી. બીજી તરફ જેતપુરના ખેડૂતોએ પણ નવતર વિરોધ કર્યો હતો જેમાં તમામ ખેડૂતો દોરડા બાંધી કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં વિવિધ માગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોની દેવા માફીની માંગ સાથે જીલ્લાના ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લાના તમામ ખેડૂતોએ કોંગી ધારાસભ્ચોની આગેવાનીમાં રેલી કાઢી હતી. પાક વિમો અને પાણીની માંગ સાથે કલેક્ટર કચેરીઓ મોટી સંખ્યામાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.
મોરબીમાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ખેડૂતોએ લસણ અને ડુંગળી ફેક્યાં હતાં. આ લસણને રસ્તા પર ફેંકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. સરકાર પાસે ભાવ વધારવા માંગ કરી હતી. આ પહેલાં પણ ખેડૂતો-માલધારીઓએ સરકારની નનામી પણ કાઢી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
ખેડૂતોનું કહેવું છે કે, ઓછા વરસાદને કારણે ખેતી કરવા પાણી નથી. સરકાર કેનાલોમાં પાણી છોડતી નથી. અપુરતી વિજળી મળી રહી છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ મોંઘી થઈ છે જેથી ખેતી કરવી મુશ્કેલ બની છે. નફો તો ઠીક ઉત્પાદન ખર્ચ પણ મળે તેટલો ભાવ મળતો નથી. આટલી વિકટ પરિસ્થિતી હોવા છતાં પણ સરકાર ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં રસ દાખવતી નથી.
ગુજરાતમાં વરસાદ ઓછો થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાણીની અછત સર્જાઈ છે. છેલ્લા ઘણાં સમયથી ખેડૂતોની માંગ ન સ્વીકારતા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય નહીં લેવાતાં સમગ્ર ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે.