ફોર્બ્સ મેગેઝિનની 2020ની યાદી મુજબ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. શેરબજારમાં ઉછાળાને કારણે ડી-માર્ટના માલિક રાધાક્રિષ્ના દામાણી ભારતના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. અહીં ભારતના ટોચના દસ ધનકુબેરોની માહિતી આપવામાં આવી છે.


મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી પાસે 36.8 અબજ ડોલરની સંપત્તિ છે અને તેઓ ભારતના જ નહીં, પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્ત છે. 19 એપ્રિલ 1957માં જન્મેલા મુકેશ અંબાણીએ 2002માં કંપનીમાં કામગીરી ચાલુ કરી હતી. અનિલ અંબાણીથી છૂટા પડ્યા બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો વધારો થયો છે. મુકેશ અંબાણીના વડપણ હેઠળ જામનગરમાં ભારતની સૌથી મોટી રિફાઇનરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2020માં તેમની સંપત્તિમાં વધારો થવાનું મુખ્ય કારણે ટેલિકોમ સાહસ રિલાયન્સ જિયો છે.

રાધાક્રિષ્ન દામાણી

શેરબજારના જાણીતા રોકાણકાર અને રિટેલ ચેઇન ડિ-માર્ટના માલિક રાધાક્રિષ્ન દામાણીની સંપત્તિ 13.8 અબજ ડોલર છે. તેમનો જન્મ 1954માં રાજસ્થાનના બિકાનેરમાં થયો હતો. 2002માં મુંબઇમાં એક રિટેલ સ્ટોર સાથે તેમણે રિટેલ ક્ષેત્રમાં બિઝનેસ ચાલુ કર્યો હતો. તેઓ ટોબેકો કંપની વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, લિકર કંપની યુનાઇટેડ બ્રુવરિઝ સહિતની કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.

શિવ નાદર

તમિલનાડુના તિરુચેન્દુરમાં 14 જુલાઈ 1945માં જન્મેલા શિવ નાદરની સંપત્તિ 11.0 અબજ ડોલર છે. સોફ્ટવેર સર્વિસિસ તેમનો મુખ્ય બિઝનેસ છે. 1976માં કેલ્ક્યુલેટર્સ અને માઇક્રોપ્રોસેસર્સ બનાવવા માટે તેમણે એચસીએલ ટેકનોલોજીની નામની કંપનીની સ્થાપના કરી હત. હવે આ કંપની ભારતની અગ્રણી સોફ્ટવેર સર્વિસિસ પ્રોવાઇડર છે. એચસીએલ ટેકનોલોજી હાલમાં 45 દેશોમાં આશરે 149,000 લોકોને રોજગારી આપે છે.



ઉદય કોટક

બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદય કોટકનો જન્મ 15 માર્ચ 1959માં મુંબઈમાં થયો હતો. તેમની સંપત્તિ 10.4 અબજ ડોલર છે. ઉદય કોટકે 1985માં ફાઇનાન્સ કંપનીની સ્થાપના કરી હતી અને 2003માં તેમને બેન્કિંગ લાઇસન્સ મળ્યું હતું. ખાનગી ક્ષેત્રમાં કોટક મહિન્દ્રા બેન્ક ભારતની ટોચની ચાર બેન્કોમાં સ્થાન ધરાવે છે. 2014માં તેમને આઇએનજી બેન્કના ભારત ખાતેના બિઝનેસને ખરીદ્યો હતો.

ગૌતમ અદાણી

અદાણી પોર્ટના માલક ગૌતમ અદાણીનો જન્મ અમદાવાદમાં 24 જૂન 1962માં થયેલો હતો. અદાણી ગ્રૂપના બિઝનેસમાં પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ખાદ્ય તેલ, રિયલ એસ્ટેટ, ડિફેન્સ વગેરેનો સમાવેશ થાય છે. ગૌતમ અદાણી આશરે 8.9 અબજ ડોલરના આસામી છે. તેમની વિદેશી સંપત્તિમાં ઓસ્ટ્રેલિયામાં એબોટ પોઇન્ટ પોર્ટ અને કારમાઇકલ કોલ માઇનનો સમાવેશ થાય છે.

સુનિલ મિત્તલ

આશરે 8.8 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા સુનિલ મિત્તલનો જનમ પંજાબના લુધિયાણામાં 23 ઓક્ટોબર 1957માં થયો હતો. તેમણે બે ભાઇ અન એક મિત્રની મદદથી 1976માં બિઝનેસ ચાલુ કર્યો હતો. તેઓ સાઇકલ કંપનીઓ માટે ક્રેન્કશાફ્ટ બનાવતા હતા. હાલમાં તેઓ ભારતની અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલના માલિક છે.



સાઇરસ પુનાવાલા

પુનાવાલા ગ્રૂપના માલિક સાઇરસ પુનાવાલાની સંપત્તિ આશરે 8.2 અબજ ડોલર છે. ભારતની ટોચની બાયોટેક કંપની સિરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના તેઓ માલિક છે. તે ભારતની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની છે. તેઓ પુનાવાલા ફાઇનાન્સ નામની ફાઇનાન્સ કંપનીના પણ માલિક છે.

કુમાર મંગલમ બિરલા

આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની સંપત્તિ આશરે 7.6 અબજ ડોલર છે. 28 વર્ષની ઉંમરે તેઓ ગ્રૂપના ચેરમેન બન્યાં હતા. તેમના બિઝનેસમાં સિમેન્ટ, એલ્યુમિનિયમ, ટેલિકોમ અને ફાઇનાન્સનો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2019માં તેમણે યુરોપની કંપની એલેરિસને હસ્તગત કરી હતી.

લક્ષ્મી મિત્તલ

આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી મિત્તલની સંપત્તિ 7.4 અબજ ડોલર છે. આર્સેલર મિત્તલ વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની છે. તેમનો જન્મ 15 જૂન 1950ના રોજ રાજસ્થાનના સદુરપુર ખાતે થયો હતો. તેમણે 2019માં એસ્સાર સ્ટીલ હસ્તગત કરી હતી.

અઝિમ પ્રેમજી

જાણીતી આઇટી કંપની વિપ્રોના માલિક અઝિમ પ્રેમજીની સંપત્તિ આશરે 6.1 અબજ ડોલર છે. તેમનો જન્મ 24 જુલાઈ 1945માં મુંબઈમાં થયો હતો. તેઓ આઇટી ક્ષેત્ર ઉપરાંત સોપ, શૂ, લાઇટબલ્બ અને હાઇડ્રોલોક સિલિન્ડર્સ ક્ષેત્રમાં પણ બિઝનેસ ધરાવે છે.



દિલીપ સંઘવી

ભારતી સૌથી મોટી ફાર્મા કંપની સન ફાર્માના માલિક દિલીપ સંઘવીની સંપત્તિ 6.1 અબજ ડોલર છે. તેમનો જન્મ પહેલી ઓક્ટોબર 1955માં ગુજરાતના અમરેલીમાં થયો હતો. 1983માં દવાના ઉત્પાદન માટે તેમણે સન ફાર્માની સ્થાપના કરી હતી. માર્ચ 2019માં સન ફાર્માની આવક 4.1 અબજ ડોલર હતી.