ભારત દેશ 60 વર્ષથી ઉપરના વૃદ્ધ અને 80 વર્ષ અને ઉપરના વયોવૃદ્ધ લોકોમાં  સમગ્ર વિશ્વમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન ઉપર છે. આટલી બધી વસ્તીમાં હૃદય, ફેફસાં, બીપી અને ડાયાબિટીસ જેવા રોગોની સંખ્યા પણ વધી રહી છે જે એક ચિંતાનો વિષય છે. 2014માં શરૂ કરેલ એલ્ડર કેર ટ્રસ્ટ આ ઉંમરના લોકોમાં સહાનુભૂતિશીલ રીતે તેમની મેડિકલ તકલીફોમાં પડતી જરૂરિયાતોને પુરી પાડવામાં સતત અને અવિરત પ્રયત્ન કરી રહ્યું છે, હાલમાં જ એલ્ડર કેર ટ્રસ્ટ દ્વારા "કનેક્ટ વીથ એલ્ડર્લી" ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.


જેરીઅટ્રિશનન ડો. ઇર્સાન ત્રિવેદીએ શું કહ્યું


આ અંગે એલ્ડર કેર ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને સેવા આપતા "ડો. ઇર્સાન ત્રિવેદી" કે જેવો  જેરીઅટ્રિશન એટલે કે વૃધ્ધોની સારવારના  સ્પેશિયાલિસ્ટ છે,  તેમણે  જણાવ્યુંકે "એલ્ડર કેર ટ્રસ્ટનું વિઝન એ વૃદ્ધ વસ્તીને સુલભ, સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાની લાંબા ગાળાની, વ્યાપક અને સમર્પિત સંભાળ સેવાઓ પ્રદાન કરવાનું અને તે માટે સક્ષમ વાતાવરણ બનાવવા માટે એક માળખું બનાવવાનું છે. 


ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે


 "કનેક્ટ વીથ એલ્ડર્લી" ઝુંબેશ અંતર્ગત વૃદ્ધોના ડેટાબેઝ જેવા કે  નામ, સરનામું, ઉંમર, રોગોનો ઈતિહાસ વગેરે જેવી માહિતી એકત્ર અને સંગ્રહિત કરી, કોલ દ્વારા વૃદ્ધ લોકો સાથે સતત સંચાર સુનિશ્ચિત કરી વ્યાજબી દરે સ્વાથ્ય સંબંધિત સેવાઓ પુરી પાડવાનો છે. જેમાં ફાર્મસી એટલે કે દવાઓની હોમ ડિલિવરી, લેબોરેટરી (વિસ્તાર મુજબ) માટે હોમ સેમ્પલ કલેક્શન, હોમ હેલ્થકેર - ઘર માટે સાધનો અને સેવાઓ થકી ઘરમાં જ હોસ્પિટલ સેટઅપ કરવામાં સહાય તથા વિવિધ બિમારીઓ માટે વિવિધ નિષ્ણાત ડોકટરો સાથે જોડાણની ખાતરી ટેલિમેડિસિનમાં વીડિયો કન્સલ્ટિંગ દ્વારા સલાહ આપવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૃદ્ધો માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. વધુમાં "ડો. ઇર્સાન ત્રિવેદી"એ કહ્યુંકે અમે "બધી વય માટે સમાજ" અને "સક્રિય અને સ્વસ્થ વૃદ્ધત્વ"ના ખ્યાલને પ્રોત્સાહન આપીએ છીએ.