હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે. એવામાં તમે ઘણા એવા લોકોને જોયા હશે જે હંમેશા ફરિયાદ કરતા હોય છે કે તેઓને ખૂબ ગરમી લાગે છે. સામાન્ય રીતે જ્યારે આપણે ઉનાળામાં ક્યાંક મુસાફરી કરીએ છીએ ત્યારે થોડા સમય માટે ગરમી લાગે છે, પરંતુ થોડા સમય પછી શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો સાથે આવું થતું નથી. તેઓને હંમેશા વધારે ગરમી લાગે છે. તેની પાછળ અલગ અલગ કારણો જવાબદાર છે. આવો જાણીએ તે કારણો વિશે.


ઉંમર


વૃદ્ધ લોકો યુવાન લોકોની સરખામણીએ તેમના શરીરનું તાપમાન મેનેજ કરી શકતા નથી, કારણ કે વય સાથે મેટાબોલિઝમની ગતિ ધીમી પડી જાય છે. ધીમી પાચનશક્તિને કારણે, આ લોકોના શરીરનું તાપમાન ખૂબ જ ઘટી શકે છે. આ જ કારણ છે કે મોટી ઉંમરના લોકોને હાયપોથર્મિયાનો ખતરો વધુ રહે છે. 


જેન્ડર


સ્ત્રીઓના શરીરમાં પુરૂષો કરતા ઓછા સ્નાયુઓ હોય છે. આ જ કારણ છે કે તેમની ચામડીના છિદ્રોમાંથી ઓછી માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે તેઓ પુરુષો કરતાં ઓછી ગરમી અનુભવે છે. જોકે, મેનોપોઝ અને મિડલ એજમાં સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ ગરમી અનુભવે છે. કારણ કે આ સમય દરમિયાન તેમના શરીરના હોર્મોન્સમાં ઘણા ફેરફારો થાય છે.


સાઈઝ


તો બીજી તરફ નિષ્ણાતોના મતે ખૂબ ગરમી અથવા ઠંડી લાગવા પાછળનું એક કારણ શરીરનું કદ પણ હોઈ શકે છે. યુનિવર્સિટી ઓફ સિડનીના ફિઝિયોલોજીના સંશોધકો કહે છે કે શરીરનું કદ જેટલું મોટું હોય તેટલી ગરમીનો અહેસાસ વધુ થાય છે.


બોડી ફેટ


આ ઉપરાંત કેટલાક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકોના શરીરમાં ચરબી વધુ હોય છે, તે લોકોને બાકીના લોકો કરતા વધુ ગરમી લાગે છે. કારણ કે વધારાની ચરબી શરીરને ગરમ કરે છે.