Parrot Fever: યુરોપના ઘણા દેશોમાં પેરોટ ફીવર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ એક જીવલેણ રોગ છે. જેના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. WHOએ પણ આ બીમારીને ખૂબ જ ખતરનાક ગણાવી છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, પક્ષીઓમાં જોવા મળતા બેક્ટેરિયાને કારણે પેરોટ ફીવર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ બેક્ટેરિયાથી સંક્રમિત પક્ષી કરડવાથી અથવા તેના સંપર્કમાં આવવાથી આ રોગ વધી રહ્યો છે. જાણો આ રોગ કેટલો ખતરનાક છે...                                  


 પેરોટ ફિવર યુરોપમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે


અમેરિકન મીડિયા સીએનએનના રિપોર્ટમાં WHOને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'પેરોટ ફીવરને સિટાકોસિસ પણ કહેવામાં આવે છે. યુરોપિયન દેશોના લોકો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ગયા વર્ષે, 2023 ની શરૂઆતમાં, ઘણા લોકો તેનાથી સંક્રમિત થયા હતા, પરંતુ હવે તેના કારણે મૃત્યુ પણ શરૂ થયા છે. CNNએ WHOને ટાંકીને કહ્યું કે, '2023માં ઑસ્ટ્રિયામાં 14 કેસ જોવા મળ્યા હતા, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં માર્ચમાં જ ચાર કેસ નોંધાયા છે. હવે કુલ 18 કેસ છે. ડેનમાર્કમાં 27 ફેબ્રુઆરી સુધી 23 કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે 2023માં જર્મનીમાં 14 કેસ નોંધાયા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે. નેધરલેન્ડમાં પણ 21 સંક્રમિત લોકો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ દેશોમાં કુલ 60 લોકો  પેરોટ  ફિવરથી સંક્રમિત જોવા મળ્યા છે.                                              


 પેરોટ ફિવરના લક્ષણો



  • સૂકી ઉધરસ

  • તાવ આવવો

  • માથાનો દુખાવો

  • સ્નાયુમાં દુખાવો

  • ઠંડી લાગે છે


WHOએ જણાવ્યાં બચાવના ઉપાય


ડબ્લ્યુએચઓ પેરોટથી ફિવરથી પ્રભાવિત દેશો સાથે મળીને તેના પર નજર રાખી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડોક્ટરોને સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે પક્ષીપાલકો અને પક્ષીઓ સાથે રહેતા લોકોને સારી સ્વચ્છતા જાળવવા ચેતવણી આપવામાં આવી છે. ડબ્લ્યુએચઓ કહે છે કે જે લોકો પક્ષીઓને ઉછેર કરે છે તેઓએ પાંજરાને સાફ રાખવું જોઈએ, સ્વચ્છતાનું પાલન કરવુ જોઇએ.