ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્યની ચિંતા માટે પ્રતિબદ્ધ રહી છે. તેના ભાગરૂપે જ ગુજરાતના કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) માં સરકારે 27.5 કરોડ રૂપિયાની કિંમતનું મશીન વસાવ્યું છે જેના લીધે રાજ્યના નાગરિકોને ઉચ્ચ ટેક્નોલોજીની મદદથી સારવાર મળી રહી છે. સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જ્યાં આ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું મશીન ઉપલબ્ધ બન્યું હોય. નવેમ્બર 2021થી આ રોબોટિક મશીન કાર્યરત બન્યું છે જેના લીધે ગુજરાતના દર્દીઓને વધુ સારી સારવાર મળી રહી છે.
મશીનનું શું છે નામ અને કોણે બનાવ્યું છે
આ મશીનનું નામ છે સાઇબર નાઇફ છે. જેનું નિર્માણ અમેરિકાની એક્યુરે મેડિસીન કંપનીએ કર્યું છે. આ મશીનનો ઉપયોગ રેડિયોથેરાપી માટે કરવામા આવે છે. આ મશીનની વિશેષતા એ છે કે એક જ સારવારમાં દર્દીને સમગ્ર ડોઝ આપી દેવાય છે જ્યારે અન્ય મશીનોમાં 30 થી 35 વખત હોસ્પિટલમાં આવવું પડે છે. કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી દ્વારા આ કામગીરી કરવામા આવે છે.
આ મશીનની શું છે વિશેષતા
GCRIના ડાયરેક્ટરના કહેવા મુજબ સમગ્ર દેશમાં ગુજરાતમાં આ મશીન અહીં ઉપલબ્ધ છે તે દર્દીઓ માટે ખૂબ સારી બાબત છે. આ મશીન લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ હોવાના લીધે દર્દીઓની રેડિયોથેરપીમાં ખૂબ સારા પરિણામ મળે છે. આ મશીનની વિશેષતા એ છે કે સ્નાયુના હલનચલન પ્રમાણે પોતે પણ મુવ કરે છે જેથી દર્દીને સારો અનુભવ મળે છે તેમજ મગજ, મણકાં, ફેફસાં વગેરેમાં અત્યંત સાવ નાના ટ્યુમરની સારવાર કરવામા આ મશીન અત્યંત કારગર સિદ્ધ થયું છે.
ભારતમાં દર એક લાખની વસ્તીએ 70-90 જેટલા કેન્સરનાં નવા દર્દીઓ જોવા મળે છે જ્યારે દર વર્ષે 7 લાખ જેટલા મ્રુત્યુ નોંધાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગ્લોબોકેન (ગ્લોબલ કેન્સ ઓબ્ઝર્વેટરી )સંસ્થાના 2020નાં આંકડા પ્રમાણે ભારતમાં 2020 માં 13 લાખ જેટલા કેન્સરના નવા કેસ નોંધાયા છે. ગ્લોબોકેન ના એક અંદાજ પ્રમાણે 2030 માં આ આંકડો વધીને 15 લાખથી વધુ થઈ જશે
ભારતમાં પુરુષો, મહિલાઓમાં કયા કેન્સર વધુ જોવા મળે છે ?
ભારત નાં પુરુષોમાં ફેફસાં, પેટ તથા મોઢાંના કેન્સર વધુ જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાંના કેન્સર સૌથી વધુ જોવા મળે છે. ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનુ મ્રુત્યુ ગર્ભાશયના મુખના કેન્સરના કારણે થાય છે અને દર ૧૩ મિનિટે 1 સ્ત્રીનુ મ્રુત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે. સમગ્ર વિશ્વમાં 2020ના વર્ષમાં 1 કરોડ 93 લાખ જેટલા કેન્સરનાં નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 99 લાખ જેટલા મૃત્યુ પામ્યા છે. ગ્લોબોકેનના એક અંદાજ પ્રમાણે 2030 માં આશરે 2 કરોડ 15 લાખ જેટલા નવા કેસ નોંધાશે.