Blood Donation : જ્યારે તમે રક્તદાન કરો છો, ત્યારે તે ફક્ત તે વ્યક્તિને જ ફાયદો નથી થતો, જેને આપ રક્ત આપો છો પરંતુ ડોનરને પણ ફાયદા થાય છે. જાણીએ રક્તદાનથી ડોનરને શું થાય છે ફાયદો
રક્તદાન એ મહાન દાન માનવામાં આવે છે. કારણ કે જ્યારે તમે રક્તદાન કરો છો, ત્યારે તમે માત્ર તમારું રક્ત જ નથી આપતા પરંતુ કોઇનું જીવન બચાવો છે. જ્યારે કોઈ વ્યક્તિને લોહી સીધું આપવામાં આવે છે, ત્યારે તમે જેને રક્તદાન કરી રહ્યાં છો તે વ્યક્તિનો જ જીવ બચે છે. પરંતુ જ્યારે તમે નિયમિત ધોરણે રક્તદાન કરવાથી ડોનરને ફાયદા થાય છે.
આપણા દેશમાં રક્તદાનને લઈને અનેક પ્રકારના જાગૃતિ અભિયાનો અને ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ તેમ છતાં દર્દીઓને જરૂરીયાત મુજબ રક્ત મળતું નથી. તેનું કારણ માત્ર એ ખોટી માન્યતાઓ છે, જે રક્તદાનને લઈને લોકોમાં ફેલાયેલી છે. આ સાથે, રક્તદાન કર્યા પછી આપણા શરીરને થતા ફાયદાઓ વિશે પણ માહિતીનો અભાવ રહે છે. અહીં જાણીએ રક્તદાન કરનાર વ્યક્તિને શું ફાયદો થાય છે.
રક્તદાન શરીરને કેવી રીતે અસર કરે છે?
જ્યારે કોઈ વ્યક્તિ રક્તદાન કરે છે ત્યારે તેના શરીરમાં લોહીની કોઈ કમી નથી હોતી. કારણ કે રક્તદાન કરતા પહેલા ડોકટરો રક્તદાતાનું હિમોગ્લોબીન, બ્લડ યુનિટ અને બ્લડ પ્રેશર જેવી તમામ બાબતો તપાસે છે. અને જ્યારે તમે રક્તદાન કરો છો, ત્યારે શરીરને મળે છે આ ફાયદા...
આયર્ન લેવલ જાળવી રાખે છે
જો લોહીમાં આયર્નની ઉણપ હોય તો શરીર માટે સમસ્યા થાય છે, પરંતુ જો આયર્નની માત્રા વધી જાય તો પણ માણસને અનેક રોગો ઘેરી લે છે. આમાં પહેલી સમસ્યા છે ટિશ્યુ ડેમેજ, લિવર ડેમેજ અને શરીરના ઓક્સિડેટીવ લાઈફમાં વધારો. એટલે કે, તેની મોટાભાગની અસરો એવી હોય છે, જેના વિશે આપને મોડેથી ખબર પડે છે, જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. પરંતુ જે લોકો નિયમિતપણે તેમનું રક્તદાન કરે છે તેમના શરીરમાં આયર્નનું સ્તર જળવાઈ રહે છે.
હાર્ટ એટેક નિવારણ
લોહીમાં આયર્નનું પ્રમાણ વધવું પણ હાર્ટ એટેકનું કારણ બને છે. કારણ કે આયર્નને કારણે પેશીઓનું વધતું ઓક્સિડેશન લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. તેથી જો તમે પોતે સ્વસ્થ હોવ તો તમારે તમારા હૃદયને જીવનભર સ્વસ્થ રાખવા માટે રક્તદાન વિશે વિચારવું જોઈએ.
સ્વસ્થ યકૃત માટે
લિવર સંબંધિત સમસ્યાઓથી બચવામાં પણ રક્તદાન મદદરૂપ થાય છે. કારણ કે લોહીમાં વધેલા આયર્નનું સ્તર લીવરની પેશીઓને એટલી હદે નુકસાન પહોંચાડે છે કે લીવરમાં ચેપથી લીવર કેન્સરનું જોખમ વધી જાય છે.
ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે
દરેક સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. તમે એક સમયે રક્તદાન કરીને 3 થી 4 જીવન બચાવી શકો છો અને આ લાગણી તમને ખુશ રાખવામાં મદદ કરે છે કે તમે થોડી મદદ કરી રહ્યા છો. કોઈનો જીવ બચાવવાનો આનંદ તમને આત્મસંતોષથી ભરી દે છે, જે તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે કારણ કે આમ કરવાથી તમે તમારી જાતને ભગવાન સાથે જોડાયેલા અનુભવો છો. આ એક પ્રકારની સકારાત્મકતા છે જે તમારા દરેક કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.
રક્તદાન માટે મહત્વની બાબતો
- દાતાની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- દાતાનું વજન 45 કિલોથી વધુ હોવું જોઈએ.
- દર વખતે રક્તદાન કરવા વચ્ચે ઓછામાં ઓછું 3 મહિનાનું અંતર હોવું જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.