શિયાળાની ઋતુમાં ફરવાનું વિચારી રહ્યા છો ? તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન! 


શિયાળાની શરુઆત થઈ ચૂકી છે અને આવા સુંદર વાતાવરણમાં મિત્રો, પરિવાર કે જીવનસાથી સાથે ફરવા જવાની મજા જ કંઈક અલગ હોય છે. ઠંડુ હવામાન, અદભૂત દૃશ્યો, બોનફાયર, ખુલ્લું આકાશ અને ઠંડા પવનની વચ્ચે સુંદર યાદો બનાવી શકાય છે. ભલે શિયાળામાં થોડી શારીરિક મુશ્કેલીઓ આવતી  હોઈ, પરંતુ મોટાભાગના લોકોને શિયાળાની ઋતુમાં પ્રવાસ કરવો ગમતો હોઈ છે, આ ઋતુમાં પ્રવાસ કરવાનો અનુભવ અલગ જ હોય છે, પરંતુ ક્યારેક શિયાળામાં પ્રવાસ કરતી વખતે આપણે અમુક બાબતોને અવગણીએ છીએ, જે પાછળથી આપણાં પ્રવાસમાં વિધ્નો ઉભા કરતી હોય છે,તો આજે અમે તમને એ બાબતો વિશે જણાવવાના છીએ. તેથી જો તમે પણ શિયાળાની આ ઋતુમાં ફરવાનું વિચારી રહ્યા છો તો આ બાબતોને બિલકુલ અવગણશો નહીં.


ડિહાઈડ્રેશનથી બચો


મોટાભાગના પ્રવાસીઓ સૌથી મોટી ભુલ એ કરે છે કે શિયાળાના પ્રવાસ દરમ્યાન પાણી ઓછુ પીવે છે. મોટાભાગે લોકો એમ સમજે છે કે શિયાળામાં આપણને વધુ તરસ લાગતી નથી, પરંતુ એ ખોટી વાત છે. આપણા શરીરને શિયાળામાં પણ એટલાં જ પાણીની જરુર પડે છે, જેટલી બીજી ઋતુમાં. પરિણામે પૂરતુ પાણી ન પીવાથી તેવા લોકો ડિહાઈડ્રેશનનો ભોગ બને છે. તેથી તમારે પાણીની બોટલ સાથે રાખવી જરુરી છે. જો તમે કોઈ સ્નો ટ્રેકમાં ગયા છો તો ઈમરજન્સી માટે વધારાની પાણીની બોટલ સાથે રાખો, જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય.


ગરમ કપડા-દવાઓ જરાય ન ભૂલો 


તમારા મુસાફરી સૂટકેસમાં ઉનના મોજા, બૂટ, ધાબળો, કોટ્સ, સ્વેટર અને શાલ જેવી આવશ્યક વસ્તુઓ પેક કરો. ધ્યાન રાખો કે મુસાફરી દરમિયાન બિનજરૂરી વસ્તુઓ લેવાનું ટાળો, જેથી બેગ ભારે ન થાય. સારી ગુણવત્તાવાળા પાતળા જેકેટ અને ધાબળા લેવાનો પ્રયાસ કરવો જોઈએ. શિયાળાની ઋતુમાં શરદી થવી સામાન્ય બાબત છે. મુસાફરી દરમિયાન શરદી, એલર્જી, તાવ, ફ્લૂથી બચવા માટે દવાઓ પણ તમારી સાથે ચોક્કસપણે રાખો.


ભૌગોલિક સ્થિતિ અને હવામાન વિશે સંપૂર્ણ માહિતી મેળવો


તમે જ્યાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તે સ્થળની ભૌગોલિક સ્થિતિ અને હવામાન વિશે સંપૂર્ણ માહિતી મેળવો. કારણ કે ઘણી વખત ભૌગોલિક માહિતી વગર પ્રવાસ કરવાથી અચાનક આવતો વાતાવરણમાં પલટો અને હવામાન સાથે તમારા શરીરને નુકસાન કરી શકે છે, પરિણામે તમારો પ્રવાસ વ્યર્થ નિવડે છે. આ ઉપરાંત જો તમે બાળકોને તમારી સાથે લઈ રહ્યા છો, તો તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.


હોટલનું એડવાન્સ બુકિંગ કરો 


શિયાળાની ઋતુમાં, ઘણાં લોકો ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી હોટેલ શોધતા હોય છે અને ઘણી વખત પ્રવાસન સ્થળો હાઉસફુલ થઈ જતા હોટેલ મળતી નથી અને યોગ્ય હોટેલ શોધવી મુશ્કેલ બની જતી હોય છે. તેથી હોટેલ શોધવાના તણાવથી બચાવવા માટે તમે મુસાફરી કરતા પહેલા એડવાન્સ બુકિંગ કરી શકો છો, જેથી તમારો પ્રવાસમાં આવી કોઈ પણ મુશ્કેલી ન આવે.