Corona Virus: કોવિડ વાયરસની નકારાત્મક અસર કિશોરીઓના સ્વાસ્થ્ય પર પણ પડી છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે, ટીનેજ છોકરીઓના પીરિયડ્સ બહુ નાની ઉંમરે જ શરૂ થઇ રહ્યાં છે.
કોરોનાએ દેશ અને દુનિયાને ગંભીર રીતે ભરડામાં લીધા હતા. વાયરસનો ભોગ બનેલા લોકો હજુ પણ તેના પરિણામો સહન કરી રહ્યાં છે. રિકવરી બાદ પણ લાંબા સમય સુધી શરીર પર તેની નકારાત્મક અસર પડે છે.હવે વધુ એક મુશ્કેલીજનક સમસ્યા સામે આવી છે.
કોવિડે કિશોરાવસ્થાની છોકરીઓના તરુણાવસ્થાના સમયે ચક્ર બદલ્યું છે. દેશમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં 5 વર્ષની બાળકીથી લઈને 9 વર્ષની બાળકીને પીરિયડ્સ આવવાના શરૂ થઇ ગયા હોય.
ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉક્ટર મનપ્રીત સેઠીએ જણાવ્યું કે, જ્યારે છોકરી પુખ્ત બનવાનું શરૂ કરે છે ત્યારે પીરિયડ આવવું સામાન્ય છે. પરંતુ જો પીરિયડ્સ વહેલા આવી રહ્યા હોય તો તેની નકારાત્મક અસર બાળકીના શરીર પર પડે છે અને જેના કારણે માતા-પિતા પણ માનસિક તણાવનો સામનો કરે છે. તેમણે કહ્યું કે, અગાઉ જ્યાં આવા 10 કેસ જોવા મળ્યા હતા. હવે તેમની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. ક્યારેક એવું બને છે કે આ સમસ્યા 5 વર્ષની છોકરીમાં પણ જોવા મળે છે.
અન્ય દેશોમાં પણ આવા જ કિસ્સા સામે આવ્યા છે
ભારત એકમાત્ર એવો દેશ નથી જ્યાં આવા કેસ જોવા મળ્યા છે. તુર્કી, ઈટાલી, અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ બાળકીના આવા હોર્મોનલ અસંતુલનનો ભોગ બને છે. ઇટાલિયન જર્નલ ઑફ પેડિયાટ્રિક્સમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળા દરમિયાન લોકડાઉનમાં આવા કેસ વધુ સામે આવ્યાં છે.
ડૉક્ટરોનું કહેવું છે કે પીરિયડ્સ વહેલા આવવાથી બાળકીના મન અને શરીર બંને પર નકારાત્મક અસર પડે છે. બાળકીનો શારીરિક વિકાસ ધીમો પડી જાય છે. તેનો ગેરલાભ એ છે કે છોકરીઓની ઊંચાઈ ઓછી થવાનો ભય રહે છે. આ સિવાય તેની સીધી અસર વજન અને મેટાબોલિઝમ પર પણ પડે છે. માતા-પિતા પણ આ માટે માનસિક રીતે તૈયાર નથી હોતા.